top
મોરબી માર્કેટ યાર્ડ ચૂંટણીમાં મતદારોની ગુપ્તતા જળવાઈ રહે તેવી માગ:કોંગ્રેસના પૂર્વ MLAનું તંત્રને આવેદન, ગુપ્તતા ભંગ થશે તો આંદોલનની અને કોર્ટ સુધી લડાઈ લડવાની ચીમકી
મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ પહેલા ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી, કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી છે કે ખેડૂત અને વેપારી પેનલના મતદારોના મતદાનની ગુપ્તતા જળવાઈ રહે. જો મતદારોની ગુપ્તતા જાળવવામાં નહીં આવે તો આંદોલન કરવાની અને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ રજૂઆત સોમવારે ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નયન આઘારા, વિજય કોટડીયા, કે.ડી. પડસુંબિયા, રાજુ કાવર, નથુ કડીવાર સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મોરબી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને બગથળા ગામના ખેડૂત સતિષ ભાણજી મેરજા પણ હાજર રહ્યા હતા. સતિષ મેરજાએ ખેડૂત પેનલમાંથી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી માર્કેટ યાર્ડની ગત ચૂંટણીમાં મતદારોના મતદાનની ગુપ્તતાનો ભંગ કરવામાં આવ્યો હતો. મતદારોને કોઈપણ રીતે ડરાવી-ધમકાવવામાં આવ્યા હતા. આ કારણે યાર્ડની ચૂંટણીમાં મતદાન કરનારા મતદારોમાં ભય છે. તેથી, મતદારોની ગુપ્તતા જળવાઈ રહે અને તેઓ ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, લોકશાહીમાં મતદારો પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવા માટે સ્વતંત્ર હોય છે. જોકે, યાર્ડની ગત ચૂંટણીમાં મતદારો દ્વારા કરાયેલા મતદાનની પ્રિન્ટ કાઢીને તેમને ડરાવી-ધમકાવવામાં આવ્યા હતા. આ રીતે મતદારોના ગુપ્ત મતદાનના અધિકારનો ભંગ કરવામાં આવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે, જો આ વખતે પણ આવું કૃત્ય કરવામાં આવશે, તો આગામી સમયમાં આંદોલન અને સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ લડવામાં આવશે. પૂર્વ ધારાસભ્યએ મીડિયા દ્વારા અપીલ પણ કરી હતી કે 9 સપ્ટેમ્બરે યોજાનારી મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદારો નિર્ભય બનીને મતદાન કરે. તેમણે જણાવ્યું કે, મતદારોને કઈ રીતે દબાવવામાં અને ધમકાવવામાં આવે છે તે અંગેના પુરાવા તેમની પાસે છે. આ પુરાવા સાથે તેઓ ગાંધીનગર બજાર સમિતિના નિયામક અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરશે.
Read full article on Divya Bhaskar