top
મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ બે આરોપીઓ ઝડપાયા:તત્કાલીન વાસ્મો કર્મચારી અને કોન્ટ્રાક્ટરની ધરપકડ, અત્યાર સુધીમાં 57ની ધરપકડ
મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના નલ સે જલ કૌભાંડ મામલે વડોદરા CID ક્રાઈમે તપાસ વધુ તેજ કરી છે. તપાસ દરમિયાન વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મહીસાગર વાસ્મો કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન કર્મચારી હાર્દિક પટેલ અને કોન્ટ્રાક્ટર સંજય કુમાર ગઢવીનો સમાવેશ થાય છે. વાસ્મો કર્મચારી હાર્દિક પટેલ સામે રૂ.6.93 લાખ લેવાનો આરોપ CID ક્રાઈમની તપાસ મુજબ, તત્કાલીન વાસ્મો કર્મચારી હાર્દિક પટેલે બેન્ક એકાઉન્ટમાં રૂ.6.93 લાખની રકમ લીધી હોવાનો આરોપ છે. આ મામલે તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. 13 ગામોમાં કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી બીજા આરોપી સંજય કુમાર ગઢવીએ મહીસાગર જિલ્લામાં 13 ગામોમાં નલ સે જલ યોજનાના કામો કોન્ટ્રાક્ટર તરીકે કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. CID ક્રાઈમના જણાવ્યા મુજબ, તેની પાસેથી રૂ.1.83 કરોડની રિકવરી બાકી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. અગાઉ કર્મચારીઓ બાદ કોન્ટ્રાક્ટર અને સરપંચોની ભૂમિકા સામે આવી મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાના કામોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ વડોદરા CID ક્રાઈમે ફરિયાદ નોંધી હતી. શરૂઆતમાં તત્કાલીન વાસ્મો યુનિટ મેનેજર અને અન્ય કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ આગળ વધતા કોન્ટ્રાક્ટરો અને સરપંચોની ભૂમિકા પણ સામે આવી હતી, જેના પગલે કેટલાક કોન્ટ્રાક્ટરો અને સરપંચોની ધરપકડ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 57 આરોપીઓની ધરપકડ વધુ બે આરોપીઓની ધરપકડ થતાં નલ સે જલ કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં કુલ 57 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. CID ક્રાઈમની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં વધુ ખુલાસા અને ધરપકડ થવાની શક્યતા છે.
Read full article on Divya Bhaskar