crime
ઓઢવમાં મોબાઇલની દુકાન અને કારમાંથી MD ડ્રગ્સ ઝડપાયું:બે ગુનામાં પોલીસે 44 હજારના 14 ગ્રામથી વધુના ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી, રાજસ્થાન કનેક્શન સામે આવ્યું
ઓઢવ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ધરાયેલી કાર્યવાહી દરમિયાન બે અલગ-અલગ કેસમાં મેફેડ્રોન ડ્રગ્સનું નેટવર્ક સામે આવ્યું છે. પોલીસે એક કેસમાં મોબાઇલ રીપેરીંગની દુકાનમાંથી 4.540 ગ્રામ ડ્રગ્સ જ્યારે બીજા કેસમાં સ્વિફ્ટ કારમાંથી 10.265 ગ્રામ ડ્રગ્સ ઝડપી લીધું છે. બંને કેસમાં કુલ 44 હજારનું 14.805 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. પોલીસે ડ્રગ્સ, વાહન, મોબાઇલ અને રોકડ સહિત 3.04 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુરુદ્વારા સામે મોબાઈલ રિપેરિંગની આડમાં નશાનો વેપલો ઓઢવ ગુરુદ્વારા સામે આવેલી એમ.કે. મોબાઇલ દુકાનમાં મોબાઇલ રીપેરીંગની આડમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે હરસનરામ કરમીરામ ચૌધરીને ઝડપી તેની પાસેથી 13 હજારનું 4.540 ગ્રામ MD ડ્રગ્સ, રોકડ અને મોબાઇલ મળી કુલ 19 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં તેણે ડ્રગ્સ ગોમતીપુરની ચાલીમાં રહેતા એક શખ્સ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. અક્ષર પુરુષોત્તમનગરમાં સ્વિફ્ટ કારમાંથી ડ્રગ્સ ડિલિવરી ઝડપાઈ બીજા કેસમાં અક્ષર પુરુષોત્તમનગર સોસાયટી પાસે ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા કઠવાડાના જીતેન્દ્રકુમાર શ્રીલાલભાઈ ડગ્ગાને પોલીસે સ્વિફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 30 હજારના 10.265 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પૂછપરછ કરતા રાજસ્થાનના સાંચોરના ખેરા ગામેથી મહેન્દ્રસિંહ બન્ના પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. બંને કેસમાં પોલીસે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરી ફરાર ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar