crime
લુણાવાડાના નાના સોનેલામાં પ્લોટના દસ્તાવેજોમાં ગેરરીતિ:4 ખુલ્લા પ્લોટની સ્થળ તપાસમાં બે માળના બાંધકામો મળી આવ્યા; રૂ.12 લાખથી વધુની વસૂલાતની શક્યતા
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના સોનેલા ગામે સ્ટેમ્પ ડ્યુટીમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ‘અર્બુદા બંગલોઝ’ ખાતે આકસ્મિક સ્થળ તપાસ હાથ ધરતા વેચાણ દસ્તાવેજોમાં દર્શાવાયેલી મિલકતની વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે તફાવત જોવા મળ્યો હતો. ચાર પ્લોટના દસ્તાવેજોમાં ખુલ્લા પ્લોટ દર્શાવાયા નાના સોનેલા ખાતે બિનખેતી વિસ્તારમાં આવેલા સિટી સર્વે નંબર NA-67/P1માં વિકસાવવામાં આવેલા અર્બુદા બંગલોઝના પ્લોટ નંબર 17, 21, 23 અને 26ના વેચાણ દસ્તાવેજો 29 ઓગસ્ટ 2026ના રોજ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા હતા. આ ચારેય દસ્તાવેજોમાં મિલકતોને બિનખેતી રહેણાંક ઉપયોગી ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવવામાં આવી હતી. સ્થળ પર બે માળના બાંધકામો મળી આવ્યા નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલી સ્થળ તપાસ દરમિયાન ચારેય પ્લોટ પર બે માળના RCC ફ્રેમ સ્ટ્રક્ચરવાળા બાંધકામો અસ્તિત્વમાં હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે દસ્તાવેજમાં દર્શાવાયેલી મિલકતની સ્થિતિ અને વાસ્તવિક સ્થિતિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેમ્પ ડ્યુટી અને બજાર કિંમતની પુનઃચકાસણી પ્રાથમિક તપાસમાં વિસંગતતા જણાતા હવે મિલકતોની વાસ્તવિક બજાર કિંમત તથા તેના આધારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીની પુનઃચકાસણી હાથ ધરવામાં આવી છે. કાયદાકીય જોગવાઈ મુજબ વેચાણ દસ્તાવેજમાં મિલકત અંગેની જરૂરી અને સાચી વિગતો દર્શાવવી ફરજિયાત છે. રૂ.12 લાખથી વધુની વસૂલાતની શક્યતા તપાસ દરમિયાન ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ઉપરાંત દંડ તથા અન્ય કાયદેસર વસૂલાત નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક ગણતરી મુજબ સમગ્ર કાર્યવાહી અંતર્ગત રૂ.12 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટી તથા સંલગ્ન દંડની વસૂલાત થવાની શક્યતા છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે મિલકતની વાસ્તવિક સ્થિતિ છુપાવીને ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવાના પ્રયાસો સામે સ્થળ તપાસ અને દસ્તાવેજોની તુલનાત્મક ચકાસણી વધુ સઘન બનાવવામાં આવશે. દસ્તાવેજમાં દર્શાવાયેલી વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે વિસંગતતા જણાશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar