top
લોકમેળાની પત્રિકામાં એક જ પક્ષના નામ-ફોટા:સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી
સુરેન્દ્રનગર-વઢવાણ ખાતે યોજાનારા લોકમેળાની નિમંત્રણ પત્રિકામાં માત્ર એક જ રાજકીય પક્ષના આગેવાનોના નામ અને ફોટાનો સમાવેશ કરાયો હોવાના આક્ષેપ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નોશાદ સોલંકીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે લોકમેળાની પ્રસિદ્ધ કરાયેલી નિમંત્રણ પત્રિકામાં ફક્ત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંગઠનના હોદ્દેદારો અને નેતાઓના ફોટા તથા નામોનો ઉલ્લેખ છે. કોંગ્રેસે દલીલ કરી છે કે લોકમેળો એક જાહેર કાર્યક્રમ છે, જેમાં તમામ રાજકીય પક્ષો અને નાગરિકોની સમાન ભાગીદારી તથા સન્માન જળવાવું જોઈએ. પત્રિકામાં એક જ રાજકીય પક્ષના આગેવાનોના નામ-ફોટા દર્શાવી જાહેર કાર્યક્રમનું રાજકીયકરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નોશાદ સોલંકીએ માંગ કરી છે કે નિમંત્રણ પત્રિકામાંથી ભાજપના સંગઠનના હોદ્દેદારોના ફોટા અને નામ દૂર કરવામાં આવે. વૈકલ્પિક રીતે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારોના નામ-ફોટાને પણ યોગ્ય સ્થાન આપી સમાવેશ કરવામાં આવે.રજૂઆતમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આ મુદ્દે યોગ્ય અને તટસ્થ પગલાં લેવામાં નહીં આવે, તો લોકશાહી ઢબે નાગરિકો અને પક્ષના કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. કોંગ્રેસે તંત્રને સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક યોગ્ય સુધારો કરવા અનુરોધ કર્યો છે, જેથી જાહેર કાર્યક્રમની નિષ્પક્ષતા જળવાઈ રહે.
Read full article on Divya Bhaskar