politics
કે.કા શાસ્ત્રી કોલેજમાં NSUIના કાર્યકર્તાઓનો હોબાળો:બાઉન્સરો વિદ્યાર્થિનીઓ સાથે ખરાબ વર્તન કરતા હોવાના આક્ષેપ, માંગણી નહીં સ્વીકારાય તો તાળાબંધીની ચીમકી
ખોખરામાં આવેલી કે.કા શાસ્ત્રી કોલેજમાં NSUIના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો હતો. કે.કા શાસ્ત્રી કોલેજના બાઉન્સરો વિદ્યાર્થીનીઓને હેરાન કરતા હોવાનો NSUI દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાઉન્સરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે NSUIના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલની ઓફિસમાં ઘૂસી હલ્લાબોલ કર્યો હતો. જો કે વિરોધ પ્રદર્શન કરનાર NSUIના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ચિઠ્ઠી દ્વારા મોબાઈલ નંબર આપવાના કથિત બનાવો બન્યા કે.કા. શાસ્ત્રી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે કોલેજમાં ફરજ બજાવતા બાઉન્સરો દ્વારા હેરાનગતિ, ખરાબ વર્તન તથા ચિઠ્ઠી દ્વારા મોબાઈલ નંબર આપવાના કથિત બનાવો બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUI દ્વારા વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સન્માન જળવાઈ રહે તેમજ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો. NSUI ના કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે જતા પ્રિન્સિપાલ હાજર ન મળતા ઓફિસમાં જ ભારે હોબાળો કર્યો હતો. પ્રિન્સિપાલ કોલેજમાં હાજર ન હોવાથી NSUIના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. પ્રિન્સિપાલ હાય હાય અને મહિલાઓની છેડતી બંધ કરોના નારા લગાવી ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા. તેમજ બાઉન્સરો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોલેજને તાળા મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બાઉન્સરો વિદ્યાર્થીઓને મારવાની ધમકીઓ આપે છે NSUIના સ્ટેટ વાઇસ પ્રેસિડેન્ટ વેદાંત તોમરે જણાવ્યું હતું કે, કે.કા શાસ્ત્રી કોલેજમાં આંદોલન કરવામાં આવ્યું હતું. જે બાઉન્સર છે તે વિદ્યાર્થીનીઓની છેડતી કરે છે તેવી બાબતો ધ્યાને આવી હતી. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી યુવતીઓની છેડતીનો મુદ્દો ઉઠી રહ્યો છે. કે.કા શાસ્ત્રી કોલેજ આવી ઘટનાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે એવું લાગે છે. અમે રજૂઆત કરવા માટે ગયા તો પ્રિન્સિપાલ પણ અમને મળવા માટે હાજર નહતા. કોલેજમાં પર્સનલ સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સર કેમ રાખવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે. આ બાઉન્સરો લાકડીઓ લઈને ફરે છે અને વિદ્યાર્થીઓને મારવાની ધમકીઓ આપે છે. બાઉન્સરોનું પોલીસ વેરિફિકેશન માંગ્યું તો તેમના પાસે કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન ન હતું. જો અમને આગામી સમયમાં યોગ્ય જવાબ નહીં મળે અને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કે.કા શાસ્ત્રી કોલેજને તાળાબંધી પણ કરવી પડશે તો કરીશું.
Read full article on Divya Bhaskar