top
જૂની માણેકવાડીમાં પિતા-પુત્રને ધમકી:મોડી રાત્રે હથિયાર સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી, રૂ.1 લાખની ખંડણી માગી; બે શખ્સો પોલીસ ફરિયાદ
ભાવનગર શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં પિતા-પુત્રને અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.1 લાખની ખંડણી માગવાના આક્ષેપ સાથે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપીઓએ યુવક પાસેથી બળજબરીથી રૂ.2 હજાર પડાવી લીધા હતા અને ત્યારબાદ તેના પિતાને પણ માર મારી ધમકી આપી હતી. મોડી રાત્રે આરોપીઓએ બાઈકમાં તોડફોડ કરી વધુ ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. કાર આપવા દબાણ કરી ધમકી આપી જૂની માણેકવાડીના એકતા ફ્લેટમાં રહેતા અને ગેસના બાટલાની મજૂરી કરતા 29 વર્ષીય શાહનવાઝ યુસુફભાઈ રાઠોડે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે આ વિસ્તારમાં રહેતા લખન કલાભાઈ રાઠોડ અને સફુ મુસ્તકભાઈ સૈયદને આરોપી બનાવ્યા છે. ફરિયાદ મુજબ તા.7 સપ્ટેમ્બરે લખને શાહનવાઝને ફોન કરીને તેની સ્વિફ્ટ કાર પોતાને આપી દેવા દબાણ કર્યું હતું. કાર નહીં આપે તો પરિણામ ભોગવવાની આડકતરી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રૂ.1 લાખ નહીં આપે તો અપહરણની ધમકી તા.8 સપ્ટેમ્બરે લખન અને સફુ બંને શાહનવાઝના ઘર પાસે આવ્યા હતા. બંનેએ અપશબ્દો બોલી રૂ.1 લાખની માગણી કરી હતી. રૂપિયા નહીં આપે તો શાહનવાઝ અને તેના પિતાનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન બંનેએ બળજબરીથી શાહનવાઝ પાસેથી રૂ.2 હજાર પડાવી લીધા હતા. તા.9 સપ્ટેમ્બરે આરોપીઓએ માણેકવાડી ચોક પાસે શાહનવાઝના પિતાને રોકી તેમના પુત્રને રૂ.1 લાખ આપવા કહેવા જણાવ્યું હતું. રૂપિયા નહીં આપે તો પિતા-પુત્ર બંનેને અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન બંનેએ પિતાને ઢીકા-પાટુનો માર માર્યો હતો. ફરિયાદ મુજબ આરોપીઓએ હથિયાર કાઢવાનો પ્રયાસ કરતાં તેઓ બચાવ કરીને ઘરે જતા રહ્યા હતા. મોડી રાત્રે બાઈકમાં તોડફોડ તા.10 સપ્ટેમ્બરે મોડી રાત્રે આશરે 2:30 વાગ્યે પરિવાર સૂતો હતો ત્યારે બંને આરોપીઓ પાઈપ લઈને આવ્યા હતા. તેમણે શાહનવાઝના એક્સેસ બાઈક તેમજ પાડોશીના બાઈકમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ અપશબ્દો બોલી ખંડણી આપવી જ પડશે અને નહીં આપો તો પરિણામ સારું નહીં આવે, બધું સળગાવી દેવાની ધમકી આપી બંને શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે બંને આરોપીઓ સામે BNSની કલમ 308(4), 308(5), 351(3), 352, 324(2), 54 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar