crime
જામીન પરથી ફરાર NDPSનો રીઢો ગુનેગાર આખરે ઝડપાયો:8 મહિનાથી પોલીસને થાપ આપનારા આરોપીને અમરોલી પોલીસે કોસાડ આવાસ ખાતેથી ઝડપ્યો
સુરતમાં નાસતા-ફરતા, પેરોલ જંપ અને વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા ગુનેગારોને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત અમરોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે, NDPS (કેફી પદાર્થો) ના ગંભીર ગુનામાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયેલા એક રીઢા આરોપીને કોસાડ આવાસ એચ-1 ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, પકડાયેલ આરોપીની ઓળખ વસીમ ઉર્ફે નિપ્પલ મુસ્તાક મીર્ઝા ઉંમર વર્ષ 33, રહે. શુકુન ટેનામેન્ટ, ગોરાટ, રાંદેર રોડ, સુરત તરીકે થઈ છે. આ આરોપી સામે ભૂતકાળમાં કામરેજ, સરથાણા અને રાંદેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ તેમજ અન્ય ગુનાઓ નોંધાયેલા છે, જેથી તે રીઢો ગુનેગાર માનવામાં આવે છે. ઘટનાની વિગતવાર પૃષ્ઠભૂમિ જોઈએ તો, 21 નવેમ્બર 2023ના રોજ સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. શાખા દ્વારા નેશનલ હાઈવે 48 પર આવેલા કમ્પાઉન્ડની એક હોટલના રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી વસીમ ઉર્ફે નિપ્પલ તેના અન્ય બે સાથીદારો સાથે 96.18 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જેની કિંમત આશરે રૂ. 9,61,800 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 15,98,800ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ આ ગુનામાં તેની ધરપકડ કરી તેને લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન, આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી, જેના આધારે તેને ત્રણ દિવસ માટે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જામીનની મુદત પૂરી થતાં તેને નિયત તારીખે લાજપોર જેલમાં સમર્પણ કરવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે જેલ હોદ્દેદારોની આંખમાં ધૂળ નાખી ફરાર થઈ ગયો હતો. આ અંગે અમરોલી પોલીસને બાતમી મળતાં પોલીસે તાત્કાલિક દરોડો પાડી કોસાડ આવાસ ખાતેથી આરોપીની અટકાયત કરી હતી. અમરોલી પોલીસે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીને પુનઃ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની કામગીરી કરી છે.
Read full article on Divya Bhaskar