education
'હું અહીં વાંચવા આવતો, આજે મુખ્ય અતિથિ બન્યો':ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાનમાં 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત, દીક્ષાંત સમારોહમાં ગાંધી ટોપી ગાયબ
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ ગૌરવપૂર્ણ દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અધ્યક્ષસ્થાનેથી પ્રેરક દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. સમારોહ દરમિયાન 7 વિદ્યાશાખાઓના 18 વિભાગોમાંથી ઉત્તીર્ણ થયેલા કુલ 900 વિદ્યાર્થીઓને વિધિવત્ પદવી એનાયત કરવામાં આવી હતી. 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત આ પદવીદાન સમારોહમાં 184 સ્નાતક, 400 અનુસ્નાતક, 232 સ્નાતક અભ્યાસક્રમ, 21 અનુસ્નાતક ડિપ્લોમા તેમજ 63 એમ.ફિલ અને પીએચ.ડી.ના પદવીધારકો મળીને કુલ 900 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી, જેમાં 441 વિદ્યાર્થિનીઓ અને 459 વિદ્યાર્થીઓ સામેલ હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 11 તેજસ્વી વિદ્યાર્થીઓને વિદ્યાશાખાના ‘મંદિર ચંદ્રક’ અને વિભાગના ‘ધ્વજ ચંદ્રક’ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ ચંદ્રકોની પસંદગી માત્ર પુસ્તકીય જ્ઞાનને આધારે નહીં પરંતુ સંશોધન, સામાજિક સેવા, NSS-NCC, ક્ષેત્રકાર્ય, ખેલકૂદ, નૈતિક આચરણ અને ગાંધીવાદી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવા સર્વાંગી પાસાંઓને ધ્યાને રાખીને કરવામાં આવી હતી. પરંપરાગત ગાંધી ટોપી ગાયબ ગૂજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં વર્ષો જૂની પરંપરાઓમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા હતા. વિદ્યાપીઠના પદવીદાન સમારોહની ઓળખ સમાન પરંપરાગત ગાંધી ટોપી આ વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવી ન હતી. આ ઉપરાંત ઉપસ્થિત ભાજપના સાંસદો અને ધારાસભ્યો માટે ખાસ વીઆઇપી વ્યવસ્થા અને કૂલરની સુવિધા ઊભી કરવામાં આવી હતી. રાજકીય નેતાઓને પાણીની બોટલ અને અમૂલ કૂલ કેસર મિલ્ક પીરસવાની જવાબદારી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સોંપાઈ હોવાની બાબત પણ સમગ્ર પરિસરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ગાંધીજીના 7 સામાજિક પાપ અને વિકસિત ભારત 2047 અંગે અમિત શાહનું સંબોધન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં ભૂતકાળના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું હતું કે તેઓ યુવાવસ્થામાં આ જ વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં નિયમિત વાંચન કરવા આવતા હતા અને આજે મુખ્ય અતિથિ તરીકે આવવું તેમના માટે ગૌરવપૂર્ણ છે. તેમણે યુવાનોને દેશ અને સમાજહિતને કેન્દ્રમાં રાખીને લક્ષ્ય નિર્ધારિત કરવા આહ્વાન કર્યું હતું. શિક્ષણ હાથને કૌશલ્ય અને મનને વિવેક આપનારું હોવું જોઈએ તેમ જણાવી તેમણે ગાંધીજીના સાત સામાજિક પાપના સિદ્ધાંતોનું પાલન કરવા તેમજ દેશને વર્ષ 2047 સુધીમાં વિશ્વમાં અગ્રેસર બનાવવા માટે યુવાશક્તિને આગળ આવવા પ્રેરણા આપી હતી.
Read full article on Divya Bhaskar