top
હિંમતનગરમાં AHPના કાર્યક્રમમાં 111 કાર્યકર્તાઓને ત્રિશૂલ દીક્ષા અપાઈ:રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા, સનાતન હિન્દૂ સંમેલન પણ યોજાયું
હિંમતનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલી કચ્છી પાટીદાર સનાતન સમાજવાડી ખાતે રવિવારે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સનાતન હિન્દૂ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ત્રિશૂલ દીક્ષા પણ આપવામાં આવી હતી. AHPના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા પણ હાજર રહ્યા હતા. ડૉ. પ્રવીણ તોગડિયા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન AHP અને બજરંગ દળ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે. હિંમતનગરનો કાર્યક્રમ પણ આ પ્રવાસનો જ એક ભાગ હતો. કાર્યક્રમમાં સોસાયટીઓમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે આહવાન કરાયું હતું. ગણેશ મહોત્સવ દરમિયાન 'માય ફ્રેન્ડ ગણેશજી' ચિત્ર સ્પર્ધા રાખવાનું પણ કહેવાયું હતું. આ પ્રસંગે 111 કાર્યકર્તાઓને ત્રિશૂલ દીક્ષા અપાઈ હતી. આ ઉપરાંત, નવરાત્રી અને વિજયાદશમીના તહેવારોમાં ઘરે શસ્ત્રપૂજન કરવા પર ભાર મુકાયો હતો. યુવાનોને સંગઠન સાથે જોડવા માટે એક અભિયાન ચલાવવાની વાત પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં AHPના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા હાજર રહ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય મહામંત્રી માલાબેન રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી જયંતી પટેલ અને ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મહામંત્રી અમૃતજી ઠાકોર પણ ઉપસ્થિત હતા. સાબરકાંઠા જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ કનકસિંહ ઝાલા અને વિભાગ પ્રમુખ તથા મહામંત્રી વિજય પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar