top
હાંસોટ 2015 હત્યા-હિંસા કેસમાં કાનૂની લડત તેજ બનાવવા માગ:ફરિયાદીએ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી, સાક્ષી સુરક્ષાની માંગ
હાંસોટમાં 2015માં થયેલી બે યુવકોની હત્યા અને કોમી હિંસાના ગંભીર કેસમાં ફરી એકવાર કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવાની માંગ ઉઠી છે. કેસના ફરિયાદી અને સાક્ષીઓએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર સુધી પોતાની વાત પહોંચાડી છે. ફરિયાદી પક્ષે રજૂઆતમાં જણાવ્યું કે, હાંસોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા FIR નંબર 04/2015 અને સેશન્સ કેસ નંબર 72/2015ની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે. અગાઉ સરકારી વકીલ પરેશ પંડ્યાએ આ કેસમાં કોર્ટ કાર્યવાહી આગળ વધારી હતી અને કેટલાક સાક્ષીઓની જુબાની પણ નોંધાઈ હતી. જોકે, પરેશ પંડ્યાએ તાજેતરમાં સરકારી વકીલ પદેથી રાજીનામું આપ્યું છે. આ પછી ફરિયાદી પક્ષે તેમને જ આ કેસ માટે સ્પેશિયલ સરકારી વકીલ તરીકે ફરીથી નિયુક્ત કરવાની માંગ કરી છે. ફરિયાદીઓનું માનવું છે કે, કેસની વિગતો અને કાર્યવાહીથી પરિચિત વકીલને જવાબદારી સોંપવાથી કેસને વધુ સારી રીતે આગળ વધારી શકાય છે. આ ઉપરાંત, કેસ સાથે જોડાયેલા સાક્ષીઓને ધમકીઓ મળતી હોવાની રજૂઆત પણ કરાઈ છે. જેથી સાક્ષીઓમાં ડરનું વાતાવરણ ન બને અને તેઓ નિર્ભયતાથી કોર્ટમાં જુબાની આપી શકે. આ માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદી પક્ષે સરકાર પાસે માંગ કરી છે કે, સમગ્ર કેસની કાર્યવાહી ઝડપથી પૂરી થાય, સાક્ષીઓની સુરક્ષા જળવાઈ રહે અને સુનાવણી નિષ્પક્ષ રીતે આગળ વધે. આ માટે યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં ભરવામાં આવે.
Read full article on Divya Bhaskar