crime
ગોધરામાં બિહારથી અમદાવાદ લઈ જવાતા 5 સગીર બાળકોનું રેસ્ક્યૂ:રેલવે પોલીસે ‘ઓપરેશન મુસ્કાન’ હેઠળ બચાવ્યા, બાળમજૂરીની આશંકા
ગોધરા રેલવે RPF અને GRP પોલીસની ટીમે 'ઓપરેશન મુસ્કાન' હેઠળ કાર્યવાહી કરી. તેમણે ટ્રેન દ્વારા બિહારથી અમદાવાદ લઈ જવાતા 5 સગીર બાળકોને બચાવ્યા. આ બાળકોને બાળમજૂરી માટે લઈ જવાઈ રહ્યા હોવાની આશંકા છે. પોલીસને બાતમી મળી હતી કે દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાં આશરે 31 બાળકોને દરભંગાથી અમદાવાદ મજૂરી કરાવવા લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગોધરા રેલવે GRP અને RPF ની ટીમે સાથે મળીને અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનના કોચમાં તપાસ કરી. ત્યારે તેમને 5 બાળકો મળી આવ્યા. રેલવે પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ તમામ બાળકો બિહારના સીતામઢી, દરભંગા અને મધુબની જિલ્લાના રહેવાસી છે. રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી પૂરી કરીને આ સગીર બાળકોને જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ લાઇન કમિટીને સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત 10 જુલાઈના રોજ પણ આ જ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનમાંથી બાળ સુરક્ષા એકમ અને રેલવે પોલીસે સાથે મળીને કાર્યવાહી કરી 6 સગીર બાળકોને બચાવ્યા હતા. ફરી આ જ ટ્રેનમાંથી બાળકો મળી આવતા માનવ તસ્કરી અને બાળમજૂરી કરાવતી ગેંગ સક્રિય હોવાની આશંકા છે. રેલવે પોલીસે આ દિશામાં તપાસ તેજ કરી દીધી છે.
Read full article on Divya Bhaskar