ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને લાખોની આવક? જુઓ વિધાનસભામાં રજૂ થયેલા આંકડા
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસું સત્ર શરુ છે. ગુજરાત વિધાનસભામાં ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીમાં 60,354 લિટરથી વધુ વિદેશી દારૂનું વેચાણ થયું છે. આ વેચાણ થકી સરકારને ₹87,39,184 ની આવક થઈ છે. ખાસ વાત એ છે કે માત્ર એક જ વર્ષમાં વિદેશી દારૂના વેચાણમાં જંગી વધારો નોંધાયો છે.
1 વર્ષમાં 3716 લિટરથી વધીને 56,638 લિટર વેચાણ
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2025 દરમિયાન ગિફ્ટ સિટીમાં કુલ 3,716.28 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું હતું. જ્યારે ત્યારબાદના એક વર્ષમાં એટલે કે 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2026 દરમિયાન આ વેચાણ વધીને 56,638.19 લિટર થઈ ગયું હતું. આ રીતે એક વર્ષના ગાળામાં દારૂના વેચાણમાં 52,921.91 લિટરનો વધારો નોંધાયો છે. એટલે કે અગાઉના વર્ષની સરખામણીમાં વેચાણમાં અનેક ગણો ઉછાળો આવ્યો છે.
2 વર્ષમાં 60,354 લિટરથી વધુ દારૂનું વેચાણ
વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે બે વર્ષના સમયગાળામાં ગિફ્ટ સિટીમાં કુલ 60,354.47 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું છે. પ્રથમ વર્ષમાં વેચાણ માત્ર 3,716.28 લિટર હતું, જે બીજા વર્ષમાં સીધું 56,638.19 લિટર સુધી પહોંચી ગયું છે. ગિફ્ટ સિટીમાં નિયમોને આધીન વિદેશી દારૂના વેચાણ અને સેવનને મંજૂરી આપવામાં આવ્યા બાદ આ વ્યવસ્થાને લઈને સતત ચર્ચા થઈ રહી છે. હવે વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓએ ફરી એકવાર આ મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે.
દારૂના વેચાણથી સરકારને લાખોની આવક
ગિફ્ટ સિટીમાં થયેલા વિદેશી દારૂના વેચાણથી સરકારને ₹87,39,184ની આવક થઈ હોવાનું વિધાનસભામાં જણાવાયું છે. એટલે કે બે વર્ષના સમયગાળામાં દારૂના વેચાણ મારફતે સરકારી તિજોરીમાં 87 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂના વેચાણ અંગેના આ આંકડા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબમાં 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2026 સુધીના વેચાણ અને તેનાથી થયેલી સરકારી આવકની વિગતો સામે આવી છે.
અગાઉ ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો હતો. ગુજરાત બહારના પ્રવાસી અને વિદેશી નાગરિકો માટે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે કામચલાઉ પરમિટ ફરજિયાત હતી. જેને નાબૂદ કરવામાં આવી હતી. હવે આવા પ્રવાસીઓએ ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવી દારુ મેળી શકે છે.