business
ગેસ બિલની બાકી વસૂલાત માટે પોલીસ બંદોબસ્ત સાથે સઘન કાર્યવાહી:વડોદરા ગેસ લિમિટેડે 56 ગ્રાહકના ઘરે જઈને 3.46 લાખ રૂપિયા બાકી રકમની વસૂલાત કરી, બાકી બિલ નહીં ભરનારા 22 ગ્રાહકના ગેસ કનેક્શન બંધ કર્યા
વડોદરા ગેસ લિમિટેડના બાકી ગેસ બિલની વસૂલાત માટે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન દરમિયાન 56 ગ્રાહકોના ઘરે જઈને 3.46 લાખ રૂપિયાથી વધુની બાકી રકમ વસૂલવામાં આવી હતી. બાકી બિલ નહીં ભરનારા 22 ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે બે ગ્રાહકોએ બાકી રકમ ભરપાઈ કર્યા બાદ તેમના ગેસ કનેક્શન ફરી શરૂ કરવામાં આવ્યા હતા. બંધ કરાયેલા 22 કનેક્શનની કુલ બાકી રકમ 26.43 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. અજબડી મિલ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં બીજા દિવસે પણ ગેસ બિલની બાકી વસૂલાત તેમજ ગેસ કનેક્શન ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. વડોદરા ગેસ લિમિટેડ અધિકારી હર્ષ રાજે જણાવ્યું હતું કે, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા દર મહિને અને દર ક્વાર્ટરમાં બાકી નીકળતાં બિલની વસૂલાત હાથ ધરવામાં આવે છે. હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ રિકવરી કામગીરી ચાલી રહી છે, જેમાં એક બિલ બાકી હોય તેવા ગ્રાહકોથી લઈને મોટી રકમ બાકી હોય તેવા તમામ ગ્રાહકોનો સમાવેશ થાય છે. આગામી ત્રણ મહિના સુધી વડોદરાના અન્ય તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ પોલીસ બંદોબસ્ત મળતાં જ આ સઘન ચેકિંગ અને રિકવરી અભિયાન ચાલુ રાખવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે ગ્રાહકોના બિલ બાકી હશે તેમના ગેસ કનેક્શન કાપવામાં આવશે તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેથી તમામ ગ્રાહકોને વિનંતી છે કે તેઓ પોતાના બાકી બિલનું ચુકવણું સમયસર કરી દે. ગ્રાહકોને બિલ ન મળવાની ફરિયાદો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, કંપનીના મીટર રીડરો ખૂબ જ કાર્યક્ષમતાથી ઘરે-ઘરે જઈને બિલિંગ કરે છે. તેઓએ ઉમેર્યું હતું કે, આ પ્રક્રિયામાં જીઓ-ટૅગિંગ, લોકેશન, મીટર રીડિંગનો ફોટો અને પ્રોપર વેરિફિકેશન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જેથી બિલ ન પહોંચવાની ઘટના બહુ ઓછી બને છે, છતાં પણ ક્યારેક બિલ ખોવાઈ જવાની શક્યતા રહે છે. ગ્રાહકોની સુવિધા માટે કંપનીએ પોતાની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર નવા બિલ ડાઉનલોડ કરવાની સુવિધા આપી છે. વડોદરા ગેસની મોબાઇલ એપ ખૂબ જ યૂઝર-ફ્રેન્ડલી છે, જેના દ્વારા ગ્રાહકો સરળતાથી બિલની કોપી મેળવી શકે છે અને ઓનલાઇન બિલ ચૂકવી શકે છે.
Read full article on Divya Bhaskar