crime
દમણના દરિયામાં એક યુવક ડૂબ્યો:ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે શોધખોળ શરૂ કરી, પ્રતિબંધ છતા ચાર મિત્રો ન્હાવા પડ્યા હતા
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં ચોમાસાની સિઝન દરમિયાન દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ હોવા છતાં નાની દમણ જેટી પાસે ચાર યુવકો દરિયામાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન તોફાની મોજા અને તેજ પ્રવાહની ઝપેટમાં બે યુવકો આવી ગયા હતા. જેમાં લાઇફગાર્ડે એક યુવકને સલામત રીતે બહાર કાઢી લીધો હતો, જ્યારે બિહારના ગયા જિલ્લાનો અને હાલ દમણમાં રહેતો આકાશ કુમાર દરિયામાં તણાઈ જતા લાપતા થયો છે. મોજાના પ્રચંડ પ્રવાહમાં એક યુવક લાપતા મળતી માહિતી મુજબ, નાની દમણના રીંગણવાડા વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા ચાર યુવકો બપોરના સમયે નાની દમણ જેટી દરિયા કિનારે મોજમસ્તી કરવા પહોંચ્યા હતા. ચોમાસાને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હતા અને પાણીનો પ્રવાહ પણ તેજ હતો. પ્રશાસન દ્વારા દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં ચારેય યુવકો દરિયામાં ઉતરી ગયા હતા. દરમિયાન અચાનક આવેલા તોફાની મોજાની ઝપેટમાં બે યુવકો આવી ગયા અને પાણીના પ્રવાહ સાથે અંદરની તરફ ખેંચાઈ ગયા હતા. બે યુવકો દરિયામાં ખેંચાઈ જતા બીચ પર ફરજ બજાવતા લાઇફગાર્ડની નજર તેમના પર પડી હતી. લાઇફગાર્ડે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ એક યુવકને સલામત રીતે દરિયાની બહાર લાવવામાં સફળતા મળી હતી. જોકે, આકાશ કુમાર મોજાના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતાં લાપતા થયો હતો. પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા આકાશ કુમાર દરિયામાં ગરકાવ થયાની જાણ થતાં તેના પરિવારજનો અને પરિચિતો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકની કોઈ ભાળ ન મળતાં પરિવારજનોમાં ભારે આક્રંદ ફાટી નીકળ્યો હતો. ઘટનાને પગલે દરિયા કિનારે ગમગીન માહોલ છવાઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમે શોધખોળ શરૂ કરી બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ બોટ અને જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા દરિયામાં લાપતા આકાશ કુમારની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી દરિયા કિનારે એકઠી થયેલી ભીડને દૂર કરી રેસ્ક્યુ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. યુવકની શોધખોળ હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસામાં દરિયાથી દૂર રહેવા અપીલ આ દુર્ઘટનાએ ફરી એક વખત ચોમાસા દરમિયાન દરિયાની જોખમી સ્થિતિ અંગે ચેતવણી આપી છે. ચોમાસામાં ઊંચા મોજા અને તેજ પ્રવાહને કારણે દરિયામાં ઉતરવું જીવલેણ બની શકે છે. તેથી સહેલાણીઓ અને સ્થાનિકોએ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધનું પાલન કરી દરિયામાં ન ઉતરવું અને લાઇફગાર્ડ તથા પોલીસની સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવું જરૂરી છે.
Read full article on Divya Bhaskar