top
વલસાડમાં ગણેશોત્સવ માટે DJ-મંડળોને કડક માર્ગદર્શિકા જાહેર:SP યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, અશ્લીલ ગીતો પર પ્રતિબંધ
વલસાડમાં ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક વલસાડ જિલ્લા પોલીસ વડા (SP) યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને થઈ હતી. બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, ગણેશ મંડળના આયોજકો અને DJ સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તહેવાર ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી. SP યુવરાજસિંહ જાડેજાએ સ્થાનિક આગેવાનો અને આયોજકો સાથે વાતચીત કરી સૂચનો મેળવ્યા. તેમણે કહ્યું કે, ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારમાં તમામ નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લે. સાથે જ કાયદો-વ્યવસ્થા અને શાંતિનો માહોલ જળવાઈ રહે તે પોલીસની પ્રાથમિકતા છે. ગણેશ મંડળો માટે પોલીસે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. દરેક ગણેશ મંડળે પોતાના પરિસરમાં ફરજિયાત CCTV કેમેરા લગાવવાના રહેશે. આનાથી સુરક્ષા અને નજર રાખી શકાશે. મંડળોએ દર્શનાર્થીઓ માટે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. ગણેશ મંડળની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્ક ન થાય તે માટે મંડળના સ્વયંસેવકોએ ટ્રાફિક નિયંત્રણમાં મદદ કરવાની રહેશે. DJ અને સાઉન્ડ સિસ્ટમ સંચાલકોને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. તહેવારો દરમિયાન ડીજેના અવાજ અને ગીતોને લઈને વિવાદ થતા હોય છે. આ બાબતે કડક વલણ અપનાવતા SPએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા. ડીજે પર કોઈ પણ પ્રકારના અશ્લીલ કે લાગણી દુભાય તેવા ગીતો વગાડી શકાશે નહીં. ટેમ્પો કે વાહનોની બહાર લટકતા સ્પીકરો લગાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. નિયમોનો ભંગ કરનાર DJ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, DySP એ. કે. વર્મા, સ્થાનિક મામલતદાર અને સિટી PI સહિતના ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. બધા અધિકારીઓએ ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે પૂરો થાય તે માટે આયોજકો અને ગ્રામજનો પાસે સહયોગની અપેક્ષા રાખી હતી.
Read full article on Divya Bhaskar