crime
દિવાળી પહેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.:જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે મેંદરડા પંથકમાં દરોડો પાડી લાખો રૂપિયાના વિદેશી દારૂ અને વાહનો સાથે બે શખ્સોને દબોચી લીધા
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ પંથકમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા નશાનો કાળો કારોબાર ફેલાવવામાં ન આવે તે માટે પોલીસ સક્રિય બની છે. આ દિશામાં કામગીરી કરતી વખતે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને બાકી મળી હતી કે મેંદરડા તાલુકાના નતાળીયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો બહારથી મંગાવીને છુપાવવામાં આવ્યો છે અને આ જથ્થો અન્યત્ર સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બાતમીવાળી જગ્યા પર અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરની અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને ટીન મળી આવ્યા હતા. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે આરોપીઓને સ્થળ પરથીજ પકડી પાડ્યા હતા, જેમાં નાગેશ ભગવાનભાઈ કરમટા અને કરણ પાંચાભાઈ રાડાનો સમાવેશ થાય છે. આ પકડાયેલા શખ્સો પાસેથી પ્રાથમિક પૂછપરછ હાથ ધરીને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ કારોબારમાં અન્ય કેટલાક શખ્સો પણ સંડોવાયેલા છે, જેમાં દિલીપ રાવતભાઈ માંજરીયા, યશ મેરૂભાઈ કટારા, જાબર દેશુરભાઈ ચાંદ્રડ અને પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઈ ગરચરના નામ ખુલ્યા છે જેમને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે આ રેઈડ દરમિયાન મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અલગ-અલગ બ્રાન્ડની કુલ 1934 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલો જેની કિંમત અંદાજે 3,27,828 રૂપિયા થાય છે, તે જપ્ત કરી છે. આ ઉપરાંત આ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતી ૩ ફોર-વ્હિલર કાર જેની કિંમત 19,00,000 રૂપિયા છે અને ૨ મોબાઈલ ફોન જેની કિંમત 30,000 રૂપિયા છે, તે તમામ કબજે કરવામાં આવ્યા છે. આમ કુલ મળીને અંદાજે 19,57,828 રૂપિયાનો જંગી મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar