business
Credit Card Limit: એકસાથે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા કાયદેસર છે? RBIનો નિયમ જાણો
આજકાલ લોકો ખર્ચ પૂરા કરવાની સાથે આવતીકાલ માટે બચત પણ કરતા હોય છે. અત્યારના સમયમાં લોકોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને નોકરી કરતા લોકો અનેક ક્રેડિટ કાર્ડ કઢાવી રહ્યા છે. તે પણ એક જ બેંકના નહીં, પરંતુ અલગ-અલગ બેંકોના અલગ અલગ ક્રેડિટ કાર્ડ. પરંતુ શું તમને ખબર છે કે એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે? ક્રેડિટ કાર્ડ કઢાવવાના ફાયદા શું છે? ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાથી ક્રેડિટ સ્કોર સારો થઈ શકે છે, જેના કારણે મોટી લોન મેળવવામાં સરળતા રહે છે. ઇમરજન્સીમાં પણ ક્રેડિટ કાર્ડ મદદરૂપ થઈ શકે છે. પૈસા ન હોય ત્યારે પણ તમે જરૂરી ખર્ચ કરી શકો છો અને પછી તેને EMI દ્વારા ચૂકવી શકો છો. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ, કૅશબૅક જેવી સુવિધાઓ પણ મળી શકે છે. ક્રેડિટ કાર્ડના નુકસાન શું છે? ક્રેડિટ કાર્ડના કારણે જરૂર ન હોય તેવા ખર્ચ કરવાની આદત પડી શકે છે. જો સમયસર બિલની રકમ ચૂકવવામાં ન આવે તો CIBIL સ્કોર ખરાબ થઈ શકે છે. તેના કારણે ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ કઢાવી શકે? ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે તેની કોઈ મર્યાદા નક્કી કરી નથી. એટલે એક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને યોગ્યતા પ્રમાણે જેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવા પાત્ર હોય તેટલા ક્રેડિટ કાર્ડ લઈ શકે છે. જોકે, ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણીને લઈને નિયમો ચોક્કસપણે મહત્વના છે. તમે ગમે તેટલી બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ લઈ શકો છો, પરંતુ તમામ કાર્ડના બિલની સમયસર ચુકવણી કરવી જરૂરી છે. જો તમે બિલ ચૂકવી ન શકો, તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી પર ખરાબ અસર પડી શકે છે અને લાંબા સમય સુધી ચુકવણી ન થાય તો લોન ડિફોલ્ટર તરીકે નોંધાઈ શકો છો. તેથી ક્રેડિટ કાર્ડ જેટલા લેવા હોય તેટલા લો, પરંતુ દરેક કાર્ડની સમયસર ચુકવણી કરવાનું ખાસ ધ્યાન રાખો.
Read full article on Sandesh