છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ (14 ઓગસ્ટ 2026) દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રના નામ સંબોધન કર્યું. તેમનું આ સંબોધન પરંપરાગત રીતે દેશની વિકાસયાત્રા, લોકતાંત્રિક મૂલ્યો અને ભવિષ્ય માટેના લક્ષ્યો પર કેન્દ્રિત રહ્યું. આ દરમિયાન તેમણે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી.
રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું, 'આપણા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, હું આપ સૌને આ રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. થોડા જ કલાકોમાં આપણો દેશ પોતાની આઝાદીના 80મા વર્ષના શુભ શરુઆતનો સાક્ષી બનશે. દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયો આ પર્વને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવે છે. આપણો તિરંગો આપણી આઝાદીનું પ્રતીક છે. આપણે તેને ખૂબ ગર્વ સાથે ફરકાવીએ છીએ.'
LIVE: President Droupadi Murmu's address to the nation on the eve of the 80th Independence Day https://t.co/0EZ6TLdoM9
— President of India (@rashtrapatibhvn) August 14, 2026
વૈશ્વિક કટોકટી છતાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આજના ભારતમાં, દરેક વ્યક્તિ સ્વપ્ન જોઈ શકે છે અને આગળ વધી શકે છે. યુદ્ધને કારણે વિશ્વ પર કટોકટી હોવા છતાં ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. વિશ્વભરમાં યુદ્ધ અને અસ્થિરતા હોવા છતાં ભારતીય અર્થતંત્ર વૈશ્વિક સરેરાશ કરતા બમણા દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. વિશ્વના અડધાથી વધુ વાસ્તવિક સમયના ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે. તેમણે એમ પણ કહ્યું કે ન્યાયિક પ્રણાલીમાં સામેલ દરેક વ્યક્તિની ફરજ છે કે સંસાધનોના અભાવે કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે.
રાષ્ટ્રપતિએ કહ્યું, 'આઝાદીનો સાચો અર્થ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ નાગરિકો પોતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે તકોનો લાભ ઉઠાવી શકે. ભારતને વિશ્વનો સૌથી આગળ પડતો દેશ બનાવવાના લક્ષ્યની દિશામાં કામ કરી શકે.'
1947માં ભારતમાતા પરાધીનતાની બેડીઓમાંથી મુક્ત થયાં: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ કહ્યું, '15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતમાતા પરાધીનતાની બેડીઓમાંથી મુક્ત થયાં. તમામ દેશવાસીઓ સ્વતંત્ર ભારતના ભાગ્યના નિર્માતા બન્યા. નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વિકાસ માટે તત્પર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો, આરોગ્ય સેવામાં કાર્યરત ડોક્ટરો અને આરોગ્યકર્મીઓ, મહેનતુ શ્રમિકો અને અન્નદાતા ખેડૂતો, પોતાના પ્રયાસોથી રાષ્ટ્રનિર્માણ કરી રહેલા અન્ય ક્ષેત્રોમાં સક્રિય અસંખ્ય દેશવાસીઓ તથા બંધારણમાં નિહિત મૂળભૂત કર્તવ્યોનું પાલન કરનારા તમામ નાગરિકો રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. હું તે તમામની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.'
તેમણે કહ્યું, 'આપણી સમૃદ્ધ વિરાસત અને સ્વતંત્રતા સંગ્રામના આદર્શોને અપનાવીને આપણે આધુનિક વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. ‘વયં રાષ્ટ્રે જાગૃયામ’, આ વૈદિક વાક્ય આપણને પ્રેરણા આપે છે કે આપણે રાષ્ટ્ર માટે હંમેશાં જાગૃત રહીએ.'
ભારતમાતાના તમામ સંતાનોને નમન કરુ છું: મુર્મુ
રાષ્ટ્રપતિએ કહ્યું, 'રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અસંખ્ય દેશવાસીઓ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાઈ ગયા. બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સમાજ સુધારણા તથા રાષ્ટ્રનિષ્ઠાના ઉચ્ચ આદર્શો રજૂ કર્યા. ભારતમાતાના તે તમામ મહાન સંતાનોને હું સાદર નમન કરું છું, જેમના આદર્શોના માર્ગ પર ચાલીને આપણો દેશ સ્વતંત્ર થયો અને આગળ વધ્યો. આજે 14 ઓગસ્ટના દિવસે આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. સાંપ્રદાયિક હિંસાને કારણે લાખો લોકોને શરણાર્થી બનવું પડ્યું અને ભાગલાની વિભીષિકા સહન કરવી પડી. તેમ છતાં, તેમણે પોતાની ઓળખ છોડી નહીં.'