top
વલસાડ જિલ્લામાં જાહેર સ્થળોએ CCTV ફરજિયાત:જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ, ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે
વલસાડ જિલ્લામાં ગુનાઓ પર અંકુશ લાવવા અને ગુનાની તપાસમાં પોલીસને મદદ મળે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિન સાંગવાને જાહેર સ્થળોએ CCTV કેમેરા ફરજિયાત લગાવવાનો હુકમ કર્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડીને વિવિધ સંસ્થાઓ અને વ્યવસાયિક સ્થળોએ વિઝન તથા હાઈ ડેફિનેશન રેકોર્ડિંગ સિસ્ટમ સાથે CCTV કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે. મુખ્ય રોડ, એન્ટ્રી-એક્ઝિટ અને પાર્કિંગ પણ CCTV હેઠળ જાહેરનામા મુજબ CCTV એવી જગ્યાએ લગાવવાના રહેશે કે જેનાથી સ્થળના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ, આવવા-જવાના રસ્તા, પાર્કિંગ વિસ્તાર, બિલ્ડિંગના આગળ-પાછળનો ભાગ તેમજ બંને બાજુના મુખ્ય રસ્તાઓ કવર થઈ શકે. આ વ્યવસ્થાથી ટ્રાફિક નિયમોના ભંગ અને રોડ અકસ્માત સહિતના ગુનાઓની તપાસમાં પણ પોલીસને મદદ મળશે. શાળા-કોલેજથી બેન્ક અને મોલ સુધી CCTV ફરજિયાત આ હુકમ હેઠળ શાળા-કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોટલ-રેસ્ટોરન્ટ, ફૂડ ઝોન, પેટ્રોલપંપ, ગેસ ફિલિંગ સ્ટેશન, શોપિંગ મોલ, કોમર્શિયલ બિલ્ડિંગ, બેન્ક, આંગડિયા પેઢી અને ફાઇનાન્સ ઓફિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રાવેલ્સ, ટ્રાન્સપોર્ટ, કુરિયર ઓફિસ, વાહન શોરૂમ, જ્વેલરી અને મોબાઇલ શોપ, ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેરહાઉસ અને મોટા ગોડાઉનમાં પણ CCTV લગાવવાના રહેશે. હોસ્પિટલથી ધાર્મિક સ્થળો અને ગેમ ઝોન સુધી અમલ હોસ્પિટલ, લેબોરેટરી, દવાખાના, મોટા શાકભાજી માર્કેટ અને માર્કેટિંગ યાર્ડ ઉપરાંત હાઈરાઇઝ તથા લો-રાઈઝ બિલ્ડિંગ, ક્લબ હાઉસ અને મોટા ઔદ્યોગિક એકમો પણ આ હુકમના દાયરામાં છે. રેલવે અને બસ સ્ટેશનના ખાનગી પે એન્ડ પાર્કિંગ, ધાર્મિક સ્થળો, સિનેમા, જીમ, વોટર પાર્ક, સ્વિમિંગ પૂલ, ગેમ ઝોન અને રમતગમતના સ્થળોએ પણ CCTV લગાવવાના રહેશે. ગુનાની તપાસમાં CCTV ફૂટેજ પોલીસ માટે બન્યું મહત્વનું સાધન વલસાડ તેમજ નજીકના દમણ અને સેલવાસ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો હોવાથી પરપ્રાંતીય લોકોની મોટી વસ્તી છે. ભૂતકાળમાં મિલકત અને શરીર સંબંધિત ગુનાઓમાં રાજ્ય બહારની ગેંગ અને ગુનેગારોને ઝડપી પાડવામાં CCTV ફૂટેજ મહત્વપૂર્ણ સાબિત થયું છે. સ્થાનિક પોલીસ, LCB અને SOGની ટીમોએ CCTV ફૂટેજના આધારે આરોપીઓના ફોટોગ્રાફ, વાહન નંબર અને ગુનાની મોડસ ઓપરેન્ડી પરથી અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. 8 નવેમ્બર 2026 સુધી હુકમ અમલમાં રહેશે જિલ્લા મેજિસ્ટ્રેટનો આ હુકમ 8 નવેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે BNSની કલમ 223 હેઠળ સજા અથવા દંડની કાર્યવાહી થઈ શકે છે. જાહેરનામાનો ભંગ થાય તેવા કિસ્સામાં ફરિયાદ નોંધવા માટે PSI અને તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar