crime
ચા ન પીવડાવતા મિત્રએ મિત્રને પતાવી દીધો
ચા ન પીવડાવવાની અદાવતમાં ઘાતકી હત્યા. આ ઘટના સુરેન્દ્રનગરની છે. જ્યાં શહેરની ફિરદોષ સોસાયટી પાસે આવેલ ચાર માળિયા ક્વાર્ટરમાં મિત્રએ જ મિત્રને પતાવી દીધો. મળતી વિગત પ્રમાણે જાવેદ ઉંમરભાઈ પારેડી આજ વિસ્તારમાં રહેતા એક સગીર અને અન્ય મિત્રો સાથે થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે ચા પીવા ગયા હતા. તે સમયે સગીર મિત્ર માટે ચા ન મંગાવતા આ બાબતનું મનદુઃખ રાખી સગીર મિત્રએ તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રાત્રિના મૃતક જાવેદને ફોન કરી ચાર માળિયામાં આવેલ પાણીની ટાંકી પાસે મળવા બોલાવ્યો હતો. મહત્વનું છે કે જાવેદ અને તેની સાથે તેનો મિત્ર સિકંદર પણ હતો. જો કે જાવેદ પાણીની ટાંકી પાસે પહોંચી કઈ વાતચીત કરે કે કઈ સમજે તે પહેલા જ ખૂન્નસમાં રહેલા સગીરે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં જાવેદને એક ઘા ગળાના ભાગે અને એક ઘા માથાના ભાગે વાગ્યો હતો અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગતા સગીર ત્યાંથી નાસી છૂટ્યો હતો. તો બીજી તરફ જાવેદને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Read full article on News18 Gujarati