top
બોટાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીને મળી સિંચાઈના પાણીની માંગ કરી:ચોમાસુ પાક બચાવવા તળાવો-ચેકડેમો ભરવા અને કેનાલોમાં પાણી છોડવા રજૂઆત
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને રૂબરૂ મળી બોટાદ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈના પાણીની રજૂઆત કરી હતી. બોટાદ જિલ્લામાં ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે. જોકે, વરસાદ મોડો પડવાને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાની અને બિયારણ બળી જવાની ચિંતા છે. આ સ્થિતિમાં ખેડૂતોને રાહત મળે અને પાકને પૂરતું પાણી મળે તે માટે ધારાસભ્યએ સૌની યોજના હેઠળ તળાવો અને ચેકડેમો ભરવા તેમજ કેનાલોમાં પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી. ધારાસભ્યએ ગોમા ડેમ, કાનીયાડ ડેમ, ભીમડાદ ડેમ, સુખભાદર ડેમ, કૃષ્ણસાગર તળાવ, તાજપર તળાવ, ઢાંકણીયા તળાવ, પીપળીયા ગામ તળાવ, ગોરડકા તળાવ, ઉગામેડી તળાવ, અડતાળા તળાવ, લાખણકા તળાવ, તતાણા તળાવ અને ટાટમ તળાવ સહિતના તળાવો અને ચેકડેમોમાં પાણી ભરવા જણાવ્યું હતું. તેમણે લિમ્બડી બ્રાન્ચ કેનાલ અને બોટાદ બ્રાન્ચ કેનાલમાં પણ પાણી છોડવા તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું કે, "ખેડૂતોનો પાક બચાવવો એ આપણી પ્રથમ જવાબદારી છે." આ વાત સાથે તેમણે ખેડૂતોની મુશ્કેલી સરકાર સુધી પહોંચાડી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
Read full article on Divya Bhaskar