બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Gujarat Foreign Education Loan: જો તમે પણ વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોઈ રહ્યા છો અને બિન અનામત (General) વર્ગમાંથી આવો છો, તો ગુજરાત સરકાર તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર લાવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક અત્યંત મહત્વનો અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવતી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અંતર્ગત જે પરિવારની વાર્ષિક આવકની મર્યાદા પહેલા 6 લાખ રૂપિયા હતી, તે વધારીને હવે 10 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો ફાયદો એવા અનેક વિદ્યાર્થીઓને થશે જેઓ અગાઉ આવક મર્યાદાના નિયમને કારણે વિદેશ અભ્યાસ માટેની લોન સહાય મેળવી શકતા ન હતા.
6 લાખની મર્યાદામાં 4 લાખનો સીધો વધારો
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જવું એ કોઈ નાની વાત નથી. ત્યાંની યુનિવર્સિટીની ફી, રહેવાનો ખર્ચ, જમવાનો ખર્ચ વગેરે પહોંચી વળવું મધ્યમ વર્ગ માટે મુશ્કેલ હોય છે. આવા સમયે એજ્યુકેશન લોન એક મોટો સધિયારો બની રહે છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે જેમના પરિવારની વાર્ષિક આવક વધુમાં વધુ 6 લાખ રૂપિયા હોય, તેમને જ આ લોનનો લાભ મળતો હતો. પરંતુ, હવે સરકારે આ મર્યાદામાં 4 લાખ રૂપિયાનો સીધો વધારો કરી દીધો છે. એટલે કે, જો તમારા પરિવારની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા સુધીની હશે, તો પણ તમે બિન અનામત વર્ગના પાત્ર ઉમેદવાર તરીકે આ યોજનાનો પૂરેપૂરો લાભ લઈ શકશો.
વધુ વિદ્યાર્થીઓને મળશે વૈશ્વિક શિક્ષણની તક
સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, મધ્યમ આવક ધરાવતા પરિવારોના હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર પૈસા કે આવક મર્યાદાના વાંકે વિદેશમાં ભણવાની તકથી વંચિત ન રહી જાય.
વિદેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં ભણવાથી વિદ્યાર્થીઓને ઘણો મોટો ફાયદો થાય છે. તેમને ગ્લોબલ લેવલની શિક્ષણ પદ્ધતિ, આધુનિક ટેક્નોલોજી, નવા સંશોધનો (રિસર્ચ) અને આંતરરાષ્ટ્રીય સ્તરનો બહોળો અનુભવ મળે છે. આવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની કરિયરને તો એક નવી જ ઊંચાઈ પર લઈ જશે, પરંતુ સાથે સાથે શિક્ષણ પૂરું કર્યા પછી ગુજરાત અને દેશના વિકાસમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકશે.