crime
બીલીમોરામાં ગેંગવોરનો આતંક:સમાધાનના બહાને બોલાવી બે યુવકો પર લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કરતાં હાથમાં ફ્રેક્ચર; એકની ધરપકડ
નવસારીના બીલીમોરામાં મારામારી અને ગેંગવોરની ગંભીર ઘટના સામે આવી છે. બીલીમોરાના દેસરા રોડ પર અમરનાથ ઠંડા પીણાની દુકાન નજીક રવિવારે મોડી રાત્રે બે યુવકોને સમાધાનના બહાને બોલાવી લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બંને યુવકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સમાધાનના બહાને યુવકને બોલાવી હુમલો કર્યો ફરિયાદી સાગર ઉર્ફે સાગુ પ્રકાશભાઈ કોળી પટેલ પોતાના મિત્ર દર્શન સાથે હાજર હતા. તે દરમિયાન બીલીમોરાના માઝ અને અજય મક્કાઈ યાદવે સાગરના મિત્ર રાહુલને અમરનાથ ઠંડા પીણાની દુકાન પાસે ઉભો રાખ્યો હતો. ત્યારબાદ સાગરને ફોન કરીને રાતવાળી બાબતે સમાધાન કરવા માટે સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો. સાગર પોતાના મિત્ર દર્શન સાથે સ્થળ પર પહોંચતા જ આરોપી માઝ અને અજય મક્કાઈ યાદવે બંનેને ગાળો આપી ઢીકામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મનોજ પદો મોપેડ પર લોખંડનો પાઇપ લઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે પોતે અને તેના સાગરીતો ત્રીસરી ગલી ગેંગના ડોન હોવાનું જણાવી યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાઇપથી હુમલો કરતાં હાથમાં ફ્રેક્ચર આરોપી મનોજ પદોએ દર્શનના માથામાં લોખંડનો પાઇપ મારવાનો પ્રયાસ કર્યો હતો. દર્શને બચવા માટે હાથ આડો કરતાં તેના હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને તે નીચે પડી ગયો હતો. તેમ છતાં આરોપીઓએ દર્શનને શરીર પર પાઇપના ફટકા મારવાનું ચાલુ રાખ્યું હતું. આ હુમલામાં દર્શનના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવક પર પણ હુમલો મિત્ર દર્શનને બચાવવા માટે સાગર વચ્ચે પડતાં આરોપીઓએ તેના માથામાં પણ લોખંડનો પાઇપ માર્યો હતો. સાગરે હાથ વડે બચાવ કરવાનો પ્રયાસ કરતાં તેના બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આરોપીઓએ તેના શરીર પર પણ પાઇપના ફટકા મારી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. હુમલામાં બંને યુવકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે બીલીમોરાની ગુપ્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓએ ગાળો બોલી મેજિસ્ટ્રેટ સાહેબ, નવસારીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ ઘટના અંગે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર એ.એસ. સરવૈયાની આગેવાની હેઠળની તપાસમાં ત્રણ આરોપીઓ પૈકી મનોજ પદોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના કારણો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar