top
બીલીમોરા શ્રી રંગ કોલેજમાં વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ ઉજવાયો:આત્મનિર્ભર ભારત અને નવી શિક્ષણ નીતિ પર ભાર મુકાયો
બીલીમોરાની રંગ શિક્ષણ મહાવિદ્યાલય બી.એડ. કોલેજમાં 21 ઓગસ્ટના રોજ "વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ"ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના 'ઇનોવેશન ક્લબ' પણ સહભાગી બન્યું હતું.આ ઉજવણી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં ઉદ્યોગસાહસિકતા, નવીનતા, કૌશલ્ય વિકાસ અને રોજગાર સર્જનને અપાયેલા વિશેષ પ્રાધાન્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આ વિઝન અંગે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. કલ્પેશભાઈ ટંડેલે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કર્યું હતું. તેમણે ભારતના તમામ નાગરિકો આત્મનિર્ભર બને તેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને વિદ્યાર્થીઓને ઇનોવેશન તથા ઉદ્યોગ સાહસિકતા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ત્યારબાદ કોલેજના પ્રાધ્યાપક અને ગુજરાત સરકારના પ્રકલ્પ ઉદ્યોગ સાહસિકતાના કોલેજ નોડલ ઓફિસર ડૉ. કિરીટ ચૌહાણે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બની શકે છે, માત્ર સાચા માર્ગદર્શનની જરૂર છે. તેમણે ઉદ્યોગ સાહસિકતા એકમના ઉદ્દેશ, મહત્ત્વ, તાલીમ અને પ્રોજેક્ટ સંદર્ભે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને બીલીમોરા વિભાગ કેળવણી મંડળના પદાધિકારીઓનો સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રાધ્યાપક ડૉ. કિરીટ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar