business
Bharuch News: ફૂડ વિભાગ લાલ ઘૂમ, બ્લુચિપ કોમ્પ્લેક્ષના બ્લિંકિટ સ્ટોરમાં અસ્વચ્છતા દેખાતાં નોટિસ ફટકારી સ્ટોર બંધ કરાવ્યો
ભરૂચ શહેરમાં ગ્રાહકોના આરોગ્ય સાથે થતાં ચેડાં રોકવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના જાણીતા બ્લુચિપ કોમ્પ્લેક્ષમાં આવેલા 'બ્લિંકિટ' ઓનલાઈન ડિલિવરી સ્ટોર પર ફૂડ વિભાગની ટીમે અચાનક આકસ્મિક મોનિટરિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ વિભાગના અધિકારીઓ ત્રાટકતાં જ સ્ટોર સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. કોલ્ડ સ્ટોરેજમાં બગડેલા શાકભાજી અને હાઇજીનનો ઘોર અભાવ ફૂડ વિભાગની તપાસ દરમિયાન સ્ટોરમાં ભારે બેદરકારી સામે આવી હતી. સ્ટોરના કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં ગ્રાહકોને મોકલવા માટે રાખવામાં આવેલા શાકભાજી બગડી ગયેલી અને ખરાબ હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટોરની અંદર જરૂરી હાઈજેનિક કંડિશન (સ્વચ્છતાના ધોરણો) જળવાતી ન હોવાનું પણ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. કચરાના અયોગ્ય નિકાલ મુદ્દે સુધારા નોટિસ આપી સ્ટોર બંધ કરાવ્યો સ્ટોર પરિસરમાં વેસ્ટ આઈટમ્સ જેવી કે પૂઠાના બોક્સ, પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો ન હતો. આ તમામ ગંભીર અનિયમિતતાઓ અને અસ્વચ્છતાને ધ્યાને રાખીને ફૂડ વિભાગે ત્વરિત પગલાં ભર્યા હતા. અધિકારીઓએ બ્લિંકિટ સ્ટોરને કાયદાકીય સુધારા નોટિસ ફટકારીને તાત્કાલિક અસરથી સ્ટોરનું કામકાજ બંધ કરાવી દીધું હતું. સુધારા કર્યા બાદ જ વેપાર શરૂ કરવાની મંજૂરી મળશે ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, નોટિસમાં દર્શાવવામાં આવેલા તમામ મુદ્દાઓ અને સ્વચ્છતાના નિયમોની પૂર્તતા કર્યા બાદ જ સ્ટોર માલિકો ફરીથી વેપાર શરૂ કરી શકશે. જ્યાં સુધી તમામ સુધારા નહીં થાય ત્યાં સુધી સ્ટોર બંધ રહેશે. તંત્રની આ આકરી કાર્યવાહીથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Bharuch: ઝઘડિયાના ભાલોદ ગામેશ્રાવણી પૂનમે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી
Read full article on Sandesh