top
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે કોન્સ્ટેબલ અને દિલ્હીનો શખસ જેલહવાલે:મુખ્ય સુત્રધાર સહિત 40 જેલમાં, ગાંધીનગર સ્ટેટ મોનિટેરીંગ સેલની તપાસ પર મીટ મંડાઈ
ભાવનગરના ડુપ્લીકેટ દારૂથી સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટેરીંગ સેલે તપાસ હાથ ધરી લઠ્ઠાકાંડના મુખ્ય સુત્રધાર, મટીરીયલ સપ્લાયર, ઝેરી દારૂનું વેંચાણ કરનારા અને મુખ્યસુત્રધાર સાથે સંકળાયેલા પોલીસ કર્મચારી સહિત 40 આરોપીની ધરપકડ કરી હતી. જે મામલે 38ને જેલહવાલે કરી દેવાયા બાદ લઠ્ઠો બનાવવામાં ઝેરી પ્રવાહી મિથેનોલને થીંનર બતાવી બિલ બનાવનાર દિલ્હીના શખસને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો. જ્યારે આજે રિમાન્ડ પર રહેલા પોલીસ કર્મચારીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરી દેવામાં આવ્યો છે. SMCની અત્યાર સુધીની કાર્યવાહીમાં મુખ્ય આરોપી સહિત 40 આરોપીની ધરપકડ થઈ અને રિમાન્ડ બાદ તમામ 40 આરોપીને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. ઝેરી રોયલ સ્ટેગથી 13ના મોત થયા હતા ભાવનગરમાં નકલી વિદેશી દારૂ રોયલ સ્ટેગના સેવન કરવાથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં 61 લોકોને અસર થતા તમામને હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઝેરી દારૂનું સેવન કરવાના કારણે 13 લોકોના મોત નિપજ્યા હતા. જેના પગલે ભાવનગર સહિત ગુજરાતભરમા ચકચાર મચી જવા પામી હતી. જે મામલે વરતેજ પોલીસ મથકમાં 21 શખસ સામે ગુનો નોંધાયો હતો. પહેલાં 38ને જેલમાં ધકેલાયા, બાદમાં આજે વધુ 2ને ધકેલાયા ડીઆઈજીના આદેશથી ગાંધીનગર સ્ટેટ મોનિટેરીંગ સેલના વડા ગગનદીપ ગંભીર અને તેની ટીમે તપાસનો દૌર હાથ ધરી લઠ્ઠાકાંડના મુખ્યસુત્રધાર વરતેજના ગૌતમ સોલંકી, દારૂ બનાવનારા મધ્ય પ્રદેશના રઈશ અંસારી, ગૌતમ સાથે વાતચીતથી સંકળાયેલા પોલીસ કર્મચારી રાજદિપસિહ ગોહિલ, ઝેરી દારૂનું વેંચાણ કરનારા અને દારૂ બનાવવામાં રો મટીરીયલ, મિથેનોલ સપ્લાય કરનારા દિલ્હી, મધ્યપ્રદેશના શખસો તેમજ બુટલેગરો સહિત 40 શખસની ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ મેળવાયા હતા. જે રિમાન્ડ પુર્ણ થતા 38 શખસને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. 7 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા હતા જ્યારે આ મામલે એસએમસીની તપાસ દરમિયાન ફરજ બેદરકારીને લઈ બે પીઆઈ, એક મહિલા એએસઆઈ, ચાર કોન્સ્ટેબલ સહિત 7ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના પગલે પોલીસ બેડામાં ભારે ચક્ચાર મચી જવા પામી હતી. SMCએ અનેક ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓની પુછતાછ કરી હતી. જેમાં મુખ્ય સુત્રધારના કોલ રેકોર્ડની ચકાસણી કરતા સી.ડી.આરમાં ગૌતમ સાથે વેળાવદર ભાલ સનેસ પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજદિપસિંહ ગોહિલની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અને રિમાન્ડ મેળવાયા હતા. મિથેનોલને થીનર બતાવનાર દિલ્હીના શખસ દબોચાયા હતો બાદ આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલેલી વિગતોને લઈ નકલી દારૂ બનાવવામાં ઝેરી પ્રવાહી મિથેનોલને થીનર બતાવી બિલ બનાવનાર દિલ્હીના મનજીતસીંઘ કીશનચંદ્ર સૈની ધરપકડ કરી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ મનજીતસીંઘના પુરા થતા તેને ગઈકાલે કોર્ટમાં રજુ કરી જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. કોન્સ્ટેબલ રાજદિપસિંહે જેલમાં ધકેલાયો જ્યારે આજે પોલીસ કોન્સ્ટેબલ રાજદિપસિંહના રિમાન્ડ પૂર્ણ થતા એસ.એમ.સીએ તેને કોર્ટમાં રજુ કર્યો હતો અને કોર્ટના આદેશ હેઠળ તેને જિલ્લા જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. જેને લઈ નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 40 આરોપીની ધરપકડ થઈ અને રિમાન્ડ બાદ 40ને જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar