top
બાળકી બોલી-'GEN-Z નહીં દુર્ગા છું', PMએ કહ્યું-ભારતની રક્ષા કરજો:મોદીએ નવસારીમાં ‘નમો કમલમ્’નું લોકાર્પણ કર્યું, 40 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલું, જુઓ અંદરનો નજારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. સૌ પ્રથમ વડોદરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ નવસારી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ સમારોહ દરમિયાન પીએમ મોદી અને એક નાની બાળકી વચ્ચે થયેલો સંવાદ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વડાપ્રધાનનું અભિવાદન કરવા પહોંચેલા એક ગ્રૂપમાં સામેલ નાની બાળકી સાથે પીએમ મોદીએ સહજ સંવાદ કર્યો હતો. વડાપ્રધાને સ્નેહપૂર્વક બાળકી જેનિફર પટેલને પૂછ્યું હતું કે, “તું GEN-Z છે? ” ત્યારે બાળકીએ તુરંત જ નિર્દોષ ભાવે ઉત્તર આપ્યો કે, “હું GEN-Z નથી, હું મા દુર્ગા છું.” આ સાંભળી વડાપ્રધાને હસીને પ્રેમથી કહ્યું કે, “તો પછી ભારતની રક્ષા કરજે...” આ હૃદયસ્પર્શી સંવાદ સમગ્ર પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘નમો કમલમ્’નું લોકાર્પણ દક્ષિણ ગુજરાતના નવસારીમાંથી સમગ્ર દેશના ભાજપ સંગઠન માટે એક અનોખું અને પ્રેરણારૂપ મોડેલ સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ્’નું ભવ્ય લોકાર્પણ કર્યું છે. અંદાજે રૂ. 10 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ ભવન માત્ર પક્ષનું વહીવટી કાર્યાલય જ નહીં, પરંતુ હાઈટેક ટેક્નોલોજી, પર્યાવરણ જતન અને સંગઠનાત્મક કાર્યશૈલીનો ત્રિવેણી સંગમ છે. ‘નમો કમલમ્’ ભવનની મુખ્ય વિશેષતાઓ 40 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલું પરિસર: ભવનની ડિઝાઇન આધુનિકતા અને વહીવટી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવી છે. હાઈટેક IT સેલ અને સર્વર રૂમ: પાયાના સ્તરે સંગઠનને મજબૂત રાખવા માટે કાર્યાલયમાં અદ્યતન સર્વર રૂમ સાથે 25 જેટલા કોમ્પ્યુટરથી સજ્જ IT સેલ ઊભો કરાયો છે. અહીંથી બૂથ પ્રમુખો સાથે સીધો સંવાદ અને સંકલન જાળવી શકાશે. ડિજિટલ ડેટા બેન્ક: જિલ્લા અને તાલુકા કક્ષાનો સંપૂર્ણ રાજકીય-સામાજિક ડેટા તેમજ સ્થાનિક સખી મંડળોની વિસ્તૃત માહિતી આ ડિજિટલ સિસ્ટમમાં ઉપલબ્ધ રહેશે. સમૃદ્ધ પુસ્તકાલય (લાઇબ્રેરી): વૈચારિક અભ્યાસ અને રિસર્ચ માટે ખાસ લાઈબ્રેરી બનાવાઈ છે. જેમાં ભારતનું બંધારણ, ભાજપનું સંવિધાન, પીએમ મોદીના સંસદમાં અપાયેલા ઐતિહાસિક ભાષણોનો સંગ્રહ તથા 1 હજારથી વધુ ગુજરાતી પુસ્તકો સહિત હજારો સંદર્ભ પુસ્તકો સામેલ છે. સભાખંડ અને હોલની ક્ષમતા: સંગઠનની મોટી બેઠકો માટે 500 લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ કોન્ફરન્સ હોલ અને પ્રોજેક્ટર સ્ક્રીનથી સજ્જ 400 લોકોની ક્ષમતા ધરાવતો અત્યાધુનિક ઓડિટોરિયમ/સભાખંડ તૈયાર કરાયો છે. પદાધિકારીઓ માટે સ્વતંત્ર ચેમ્બર્સ: સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ માટે અલગ સુસજ્જ ઓફિસો ફાળવવામાં આવી છે. ગ્રીન એનર્જી કન્સેપ્ટ: પર્યાવરણ જતનનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યાલય માત્ર ટેક્નોલોજીની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ઇકો-ફ્રેન્ડલી વ્યવસ્થામાં પણ અગ્રેસર છે. સમગ્ર પરિસરમાં ગ્રીન એનર્જી માટે સોલાર પાવર પેનલ્સ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત જળ સંચય માટે અદ્યતન રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરાઈ છે, જેનાથી ભવન પોતાની જરૂરિયાતની ઊર્જા અને જળ વ્યવસ્થાપનમાં સ્વનિર્ભર બનશે. ડિજિટલ ક્રાંતિ અને ગ્રીન એનર્જીના સમન્વયથી સજ્જ નવસારીનું આ ‘નમો કમલમ્’ કાર્યાલય સમગ્ર દેશના રાજકીય સંગઠનો માટે એક નવું અને અનુકરણીય મોડેલ સાબિત થશે.
Read full article on Divya Bhaskar