crime
બાકોર પોલીસે ખેતરમાંથી મોટર-કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો:લીમડીયા ગામેથી ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા, 15,500નો મુદ્દામાલ જપ્ત
મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશન હદમાં ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટર અને કેબલ વાયરની ચોરી થઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. આ ઘટના 11 સપ્ટેમ્બર 2026ના રોજ લીમડીયા ગામના વાંસેલી ફળિયામાં બની હતી. અહીં ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટર, આશરે 150 ફૂટ કેબલ વાયર અને અન્ય ઇલેક્ટ્રિક સામાનની ચોરી થઈ હતી. આ અંગે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે ઈસરોડા ગામના ત્રણ શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ કરાઈ હતી. પૂછપરછમાં ત્રણેયે ચોરીની કબૂલાત કરી હતી. બાકોર પોલીસે આરોપીઓ પાસેથી 5 હજાર રૂપિયાની ઇલેક્ટ્રિક મોટર અને આશરે 10,500 રૂપિયાનો અડધો સળગાવેલો 150 ફૂટ કેબલ વાયર જપ્ત કર્યો છે. કુલ 15,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓમાં મોહન ઉર્ફે કટીયો તલાર, વિક્રમ ઉર્ફે વિકુ તલાર અને સુરપાલ પગીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસરોડા, ભાણીવાડા ફળિયું, ખાનપુર તાલુકાના રહેવાસી છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar