crime
અનેક ફરિયાદો બાદ કાર્યવાહી:ઓઢવ સ્મશાનમાં લાકડાની જગ્યાએ ટાયર સળગાવી અંતિમવિધિ કરનાર સંસ્થા ફક્ત 1 વર્ષ માટે જ બ્લેકલિસ્ટ
ગત વર્ષે શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મૃતદેહની અંતિમવિધિ માટે લાકડા સળગાવવા ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરંતુ હવે લાકડા પૂરા પાડતી સંસ્થા શ્રી વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘે આટલી મોટી બેદરકારી કરી હોવા છતાય એક વર્ષ માટે જ બ્લેકલિસ્ટ કરાઈ છે. સૂત્રો મુજબ આ સંસ્થાના પ્રમુખ ભાજપના પૂર્વ કોર્પોરેટર હોવાથી માત્ર એક વર્ષ માટે જ બ્લેક લિસ્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે કોઈપણ ટેન્ડરમાં ભાગ નહીં લઈ શકે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દિપક પંચાલે જણાવ્યું હતું કે વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ નામની સંસ્થા વિરુદ્ધ અનેક લેખિત તથા મૌખિક ફરિયાદો મળી હતી. ત્યારે હવે સંસ્થાને એક વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. તેઓ હવે કોઈપણ ટેન્ડરમાં ભાગ નહીં લઈ શકે. સંસ્થાના પ્રમુખ જે સંસ્થામાં સભ્ય હશે તે સંસ્થા પણ એક વર્ષ માટે ટેન્ડરમાં ભાગ નહીં લઈ શકે. લાકડા પૂરા પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગેની વિગત એવી છે હેલ્થ જન્મ મરણ સ્મશાન ગૃહ વિભાગે દરખાસ્ત મુકી હતી કે સ્મશાનગૃહ વિભાગ ખાતે સુકા જલાઉ લાકડા સપ્લાય કરવા તથા ખાડા ખોદી આપવાની કામગીરી માટેનો કોન્ટ્રાક્ટર શ્રી વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘને આપવામાં આવી હતી. આ સંસ્થાએ ટેન્ડરની શરતો તથા કોર્પોરેશનને અને જાહેર હિત વિરુદ્ધ કામગીરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી તેને એક વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવે. ત્યારે હવે એક મહિનાના વિચારણા પછી દરખાસ્તને મંજૂર કરાઈ છે. 13મી જુલાઈના રોજ હેલ્થ કમિટીના ચેરમેન દીપક પંચાલે ઓઢવ સ્મશાન ગૃહની આ ઘટનામાં સંસ્થા વિરુદ્ધની આ દરખાસ્તને તાકીદે મંજૂર કરી નહોતી. તેમણે 'હજુ આ વિષયે ચર્ચા કરવી પડશે' તેવું બહાનું ધરીને નિર્ણય ટાળી દીધો હતો. જોકે સૂત્રો મુજબ આ સંસ્થા ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની હોવાથી, કમિટીના ભાજપના સભ્યો જનતાના હિતને બાજુ પર મૂકીને પક્ષના નેતાગીરીના ઈશારે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને છાવરવાનું કામ કરી રહ્યા છે.
Read full article on Divya Bhaskar