top
અમેરિકાથી આવેલા પુત્રએ લાકડાના ધોકાથી પિતાને મોતને ઘાટ ઉતાર્યા:મૃતકે પૈસાને લઈ માથાકૂટ કરી પત્નીને માર માર્યો, પિતાને સમજાવવા ગયેલા પુત્રએ આવેશમાં હત્યા કરી
કલોલમાં કૌટિંબિક તકરારમાં એક પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી દીધી છે. અમેરિકાથી પરત આવેલો અને હાલ સંકલ્પ રેસીડેન્સી ખાતે માતા સાથે રહેતા 40 વર્ષીય યુવકે પૈસાની માથાકૂટમાં પોતાના જ 60 વર્ષના પિતા પર લાકડાના ધોકા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મામલે મૃતકની પત્નીએ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં પોતાના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક કાંતિલાલ 16 વર્ષથી પરિવારથી અલગ રહેતા હતા કલોલમાં સંકલ્પ રેસિડેન્સીમાં રહેતા મધુબેન કાંતિલાલ પ્રજાપતિને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે, જેમાં મોટો દીકરો કલ્પેશ તેની પત્ની ચાંદની સાથે અમેરિકા ગયો હતો. છ મહિનાથી પરત આવીને માતા સાથે રહેતો હતો. મધુબેનના પતિ કાંતિલાલ પ્રજાપતિ છેલ્લા 16 વર્ષથી પરિવારથી અલગ વેજનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા હતા. તેઓ ફોરચ્યુનર એમ્પાયર ફ્લેટની બાજુમાં આવેલા કપિરાજ શોપિંગ સેન્ટર પાસે સાયકલ પંચરની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. કાંતિલાલે પૈસાને લઈ પત્ની મધુબેનને ધોકો માર્યો આજે મંગળવારે સવારના આશરે 10 વાગ્યાના અરસામાં મધુબેન પોતાના ફ્લેટ નીચે આવેલી દુકાને દંહી લેવા ગયા હતા. તે વખતે કાંતિલાલ હાથમાં લાકડાનો ધોકો લઈને ત્યાં પહોંચ્યા હતા અને મધુબેન પાસે પૈસાની માંગ કરી હતી. મધુબેને તમે એકલા રહો છો તો મારી પાસે કેમ પૈસા માંગો છો તેમ કહેતા કાંતિલાલ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી જમણા પગે લાકડાનો ધોકો મારી દીધો હતો. જેથી આસપાસના લોકો ભેગા થઈ જતાં કાંતિલાલ ત્યાંથી જતા રહ્યા હતા. સમજાવવા જતા પુત્ર અને પિતા વચ્ચે ઝઘડો આ બનાવ બાદ મધુબેને ઘરે પહોંચી પોતાના પુત્ર કલ્પેશને ફોન કર્યો હતો અને પિતાજી પૈસા બાબતે ઝઘડો કરતા હોવાથી તેમને શાંતિથી સમજાવવા કહ્યું હતું. કલ્પેશે પોતાની માતાને આશ્વાસન આપી સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં સાયકલ પંચરની દુકાને પહોંચ્યો હતો. ત્યાં પિતા કાંતિલાલને સમજાવવાનો પ્રયાસ કરતા બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો. ગુસ્સામાં પુત્રએ ધોકાથી પિતાને માર માર્યો આ દરમિયાન પિતાએ ગાળો આપવાનું ચાલુ રાખતા આવેશમાં આવી પુત્ર કલ્પેશે નજીકમાં પડેલો લાકડાનો ધોકો ઉપાડી તેમના માથા અને શરીર પર ઉપરાઉપરી માર માર્યો હતો. આ હુમલાના કારણે કાંતિલાલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ કલ્પેશ સીધો ઘરે પહોંચ્યો હતો અને માતાને સમગ્ર હકીકત જણાવી હતી કે, પિતા સમજ્યા નહીં અને ઝઘડો કરતા મેં ગુસ્સામાં ધોકાથી મારી દીધા છે. માતાની ફરિયાદ બાદ પુત્રની ધરપકડ કરવા તજવીજ બીજી તરફ આસપાસના સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઘાયલ કાંતિલાલને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે કલોલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ટૂકી સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ કલોલ શહેર પીઆઇ એચ.એન. પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. મધુબેન પ્રજાપતિની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar