business
અમદાવાદમાં નવા 4 ગાર્ડન માટે બગીચા ખાતાની શંકાસ્પદ દરખાસ્ત:સિવિલ વર્ક ઘટ્યું છતાં એજન્સીઓને ઊંચા ભાવે કામ સોંપવાની તૈયારી, કરોડોનો વધારાનો બોજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના બગીચા વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં નવા 4 ગાર્ડન બનાવવા અને 5 વર્ષ સુધી મેઇન્ટેનન્સ કરવા માટે રિક્રિએશન કમિટી સમક્ષ વિવાદાસ્પદ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ગાર્ડન ડેવલપમેન્ટના મૂળ પ્રોજેક્ટમાંથી મોંઘુ સિવિલ વર્ક ઘટાડી દેવાયું હોવા છતાં, બગીચા ખાતા દ્વારા એજન્સીઓને અંદાજિત ખર્ચ કરતા ઘણા ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ સોંપવાની મંજૂરી માંગવામાં આવતા મનપા વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. અધિકારીઓની આ શંકાસ્પદ નીતિના કારણે કોર્પોરેશનની તિજોરી પર કરોડો રૂપિયાનો વધારાનો બોજ પડવાની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં એજન્સીઓને કરોડોનો સીધો ફાયદો બગીચા ખાતા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવો ગાર્ડન બનાવવા માટે શરૂઆતમાં 5.08 કરોડ રૂપિયાનો અંદાજ મૂકી ટેન્ડર બહાર પડાયું હતું, જેમાં આધારભાવ કન્સ્ટ્રક્શન એલએલપી નામની એજન્સીએ 28.17 ટકા ઊંચા ભાવ સાથે 6.51 કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું. પાછળથી હરિયાળો વિસ્તાર વધારવા સિવિલ વર્ક ઘટાડીને કામનો અંદાજ 3.15 કરોડ કરાયો હોવા છતાં એજન્સીનું ટેન્ડર 4.04 કરોડનું મંજૂર કરાતાં એજન્સીને 85 લાખ રૂપિયા વધુ ચૂકવાશે. આ જ રીતે પૂર્વ ઝોનમાં 21.55 કરોડના ટેન્ડરમાં હરિકૃષ્ણ નર્સરીએ 25.70 ટકા ઊંચા ભાવ સાથે 27.09 કરોડનું ટેન્ડર ભર્યું હતું; જ્યાં સિવિલ વર્ક ઘટાડીને રકમ 15.36 કરોડ કરવા છતાં એજન્સીને 19.31 કરોડ ચૂકવવાની દરખાસ્ત મુકાતાં તંત્ર આશરે 4 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વધુ ચૂકવશે. દક્ષિણ અને મધ્ય ઝોનમાં પણ લાખો રૂપિયાની લ્હાણી કરવાની પેરવી દક્ષિણ ઝોનમાં નવા બગીચા માટે 1.54 કરોડના અંદાજ સામે નીલકંઠ લેન્ડસ્કેપ એજન્સીએ 24.81 ટકા ઊંચા ભાવે 1.92 કરોડનું ટેન્ડર ભર્યું હતું, જેમાં સિવિલ વર્ક ઘટાડી ટેન્ડરની રકમ 1.26 કરોડ કરાયા બાદ પણ એજન્સીનું ટેન્ડર 1.57 કરોડ રહેતાં અંદાજે 31 લાખ રૂપિયા વધુ ચૂકવાશે. મધ્ય ઝોનમાં પણ 1.16 કરોડના અંદાજ સામે આનંદ ફાર્મ એન્ડ નર્સરીએ 26.50 ટકા ઊંચા ભાવે 1.46 કરોડનું ટેન્ડર ભર્યું હતું, જ્યાં સિવિલ વર્ક ઘટાડી રકમ 79.20 લાખ કરાઈ હોવા છતાં એજન્સીનું ટેન્ડર 1 કરોડ આસપાસ રહેતાં 20 થી 21 લાખ રૂપિયા વધારે ચૂકવવાનો તખ્તો ઘડાયો છે. સ્ટેન્ડિંગ કમિટીની તપાસ છતાં બગીચા ખાતાની મનમાની સામે સવાલો તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોમાં સિવિલ વર્ક અને બગીચા કામગીરી વચ્ચે ઊંડાણપૂર્વક તપાસ કરીને ફાઈલો પરત મોકલવામાં આવી હતી. તેમ છતાં બગીચા વિભાગ દ્વારા એજન્સીઓના ઊંચા ભાવોને નિયંત્રિત કરવાને બદલે કરોડો રૂપિયાના વધુ નાણાં ચૂકવવા માટે મંજૂરી માંગવામાં આવતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની કથિત મિલીભગત સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Read full article on Divya Bhaskar