crime
બિસ્માર રોડ મામલે રસ્તા રોકો આંદોલનની ભાજપ આગેવાનની ચિમકી:રાજકોટના પરાપીપળીયાથી AIIMS જતો 900 મીટરનો રોડ ખરાબ, ગ્રામજનો-દર્દીઓ ત્રાહિમામ
રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા ગામના પાટિયાથી એઇમ્સ હોસ્પિટલ તરફ જતો 900 મીટરનો એપ્રોચ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી દર્દીઓ અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પ્રશ્ને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન નાગદાન ચાવડા તથા સ્થાનિક આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગને તાકીદે રસ્તાની મરામત મંજૂર કરવા માંગ કરી છે. આગામી 13 ઓગસ્ટ સુધીમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પરાપીપળીયા અને ખંઢેરી ગામના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓએ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવવું જોઈએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, એઇમ્સ હોસ્પિટલ હોવાના કારણે આ માર્ગ પર દિવસ-રાત હજારો લોકો અને વાહનોની સતત અવરજવર રહે છે. પરાપીપળીયા ગામના માજી સરપંચ વિક્રમ હુંબલે પણ ઉમેર્યું હતું કે, કલેક્ટર, મામલતદાર અને TDO જેવા જવાબદાર અધિકારીઓએ આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવવું જોઈએ. વર્ક ઓર્ડર જાન્યુઆરીમાં કળથીયા એન્જિનિયરિંગને અપાયો આ મુદ્દે રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેર કુલદીપ મકવાણાએ સ્પષ્ટતા કરી હતી કે, જામનગર રોડથી એઈમ્સ ચોકડી સુધીનો રેલવે ઓવરબ્રિજ (ROB) મંજૂર થયેલ છે, જેનો વર્ક ઓર્ડર જાન્યુઆરીમાં કળથીયા એન્જિનિયરિંગને અપાયો છે. શરૂઆતમાં એક રેલવે ટ્રેકના આધારે એસ્ટીમેટ બનેલું, પરંતુ હાલ ડબલ ટ્રેક થતાં RP-4 નંબરનો પિલર ટ્રેકની ખૂબ નજીક આવતો હોવાથી રેલવે વિભાગે ખોદાણ અટકાવી ડિઝાઇનમાં ફેરફાર સૂચવ્યો છે. હાલ જંગલ કટિંગ અને પ્રાથમિક ખોદાણ બાદ કામ અટકેલું છે અને નવી ડિઝાઇનની મંજૂરી રેલવે વિભાગ તથા ગાંધીનગર ખાતે પ્રક્રિયા હેઠળ છે. માધાપર ચોકડીથી એઈમ્સ રોડને વૈકલ્પિક રૂટ રખાયો તંત્રે વધુમાં જણાવ્યું હતું કે, ડિઝાઇનની મંજૂરી મળવામાં અંદાજે દોઢથી બે મહિનાનો સમય લાગશે, ત્યારબાદ ROBની કામગીરી પુનઃ શરૂ થશે અને માધાપર ચોકડીથી એઈમ્સ રોડને વૈકલ્પિક રૂટ તરીકે રાખવામાં આવશે. હાલના તબક્કે 900 મીટરના આ માર્ગ પર એજન્સી દ્વારા વેટ મિક્સ (Wet Mix) નાખીને રોડને વાહનવ્યવહાર યોગ્ય રાખવા મરામત કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar