top
વિધાનસભા સત્ર પ્રથમ દિવસે રાજકારણ ગરમાશે:મોંઘવારી, પેપર લીક અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરશે, 9મીએ સત્યાગ્રહ છાવણી ધરણાં યોજશે
ગુજરાતમાં દિવસે ને દિવસે વકરી રહેલી બેરોજગારીની સમસ્યા, આકાશે આંબી ગયેલી અસહ્ય મોંઘવારી, કુદરતી સંકટો વચ્ચે પીસાતા ખેડૂતોની વેદના તેમજ કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જેવા સળગતા લોકપ્રશ્નોને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આક્રમક મોરચો ખોલવાનો નિર્ણય લીધો છે. આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે જ સત્રના પ્રથમ દિવસે પ્રજાકીય અવાજને બુલંદ કરવા માટે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 11 વાગ્યે જંગી ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ડૉ. તુષાર ચૌધરીની આગેવાની હેઠળ યોજાનારા આ કાર્યક્રમ થકી સરકારને વિવિધ મોરચે ઘેરવા માટેની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. આંદોલનને સફળ બનાવવા સેક્ટર-22 કોંગ્રેસ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક આ લડાયક વિરોધ પ્રદર્શનની સંગઠનાત્મક રૂપરેખા તૈયાર કરવા અને તેને જમીની સ્તરે સફળ બનાવવાના ભાગરૂપે ગાંધીનગરના સેક્ટર-22 સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સભ્ય, પૂર્વ સાંસદ અને ધારાસભ્ય જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં ગાંધીનગર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વિવિધ તાલુકા-શહેર પ્રમુખો, જિલ્લા અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ (NSUI) અને મહિલા કોંગ્રેસ સહિતના તમામ ફ્રન્ટલ સંગઠનોના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને 9મી સપ્ટેમ્બરના વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અતિવૃષ્ટિ અને દુષ્કાળ વચ્ચે ખેડૂતો પાયમાલીના આરે હોવાનો આક્ષેપ બેઠક બાદ સરકારની આકરી ટીકા કરતાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં જગતનો તાત અત્યારે સૌથી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. રાજ્યના કેટલાક તાલુકાઓમાં નહિવત વરસાદ અને સિંચાઈના પાણીના અભાવે ખરીફ પાક સુકાઈ રહ્યો છે, તો બીજી બાજુ જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં ખેતરો બેટમાં ફેરવાઈ જતાં તૈયાર પાક ધોવાઈ ગયો છે. કુદરતી પ્રકોપની સાથે વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતોને પારાવાર આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે અને યોગ્ય વળતરના અભાવે ધરતીપુત્રો આર્થિક પાયમાલીના આરે આવીને ઊભા રહી ગયા છે. મોંઘવારી, પેપર લીક અને કાયદો-વ્યવસ્થા મુદ્દે સરકારને ઘેરાશે સામાન્ય જનતાની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેફામ બનેલી મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે. સાથોસાથ રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલા 'છાત્ર શક્તિ ગુંજ' અભિયાનનો સંદર્ભ આપતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, શાસક પક્ષના ત્રણ દાયકાના રાજમાં અસંખ્ય સરકારી ભરતીઓના પેપરો ફૂટી ચૂક્યા છે, જેના લીધે લાખો આશાસ્પદ શિક્ષિત યુવાનોનો રોજગારી મેળવવાનો હક છીનવાઈ ગયો છે. આ ઉપરાંત રાજ્યમાં બેરોકટોક વેચાતા દારૂ અને નશીલા ડ્રગ્સના દૂષણે યુવાધનને બરબાદ કરી દીધું છે. આ તમામ પ્રજાલક્ષી મુશ્કેલીઓને વિધાનસભાના દ્વારે ઉજાગર કરવા કોંગ્રેસ ગાંધીનગરમાં મજબૂત લડત લડશે.
Read full article on Divya Bhaskar