crime
રાજકોટના વેપારી સાથે રૂ.8.12 લાખનું સાયબર ફ્રોડ:વિદેશના નંબર પરથી વોટ્સએપમાં આવેલ અજાણી લિંક પર ક્લિક કરતા જ બેન્ક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપડી ગયા
રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને પેકેજીંગ ફિલ્મ ટ્રેડિગનો વ્યવસાય કરતા 33 વર્ષીય વિમલ ચનીયારા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં તેમને પોતાના વાહનની વિગતો ધરાવતી ડિટેઇલ સાથે એક મેસેજ વોટ્સએપ પર વિદેશી નંબર પરથી આવ્યો હતો અને તેમાં સાથે આવેલ અજાણી લિંક પર ક્લિક કરતા તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી સાયબર ગઠિયાઓએ કુલ રૂ.8.12 લાખની રકમ સેરવી લીધી હતી. હાલ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી વિમલભાઈ રમેશભાઈ ચનીયારાએ જણાવ્યું હતું કે, તારીખ 28.07.2026ના રોજ વોટ્સએપમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો જે મેસેજ વિદેશના મોબાઇલ નંબર પરથી આવ્યો હતો જે મેસેજ ખોલી જોતા તેમાં મારા વાહન સાથે સંબંધિત માહિતી દર્શાવવામાં આવી હતી જેમાં મારા વાહનનો નંબર દર્શાવવામાં આવ્યો હતો જેથી મને એવું લાગ્યું કે કદાચ આ મેસેજ વાહન સંબંધિત કોઇ જરૂરી માહિતી અથવા કામગીરી માટે કરવામાં આવ્યો હશે. ત્યારબાદ મેસેજમાં એક લિંક પણ મોકલવામાં આવી હતી જે લિંક બાબતે કોઇ જાણકારી ન હતી. મેસેજમાં વાહન સંબંધિત માહિતી દર્શાવેલ હોવાથી તથા લિંક મારફતે જરૂરી કામગીરી કરી શકાશે તેવું સમજી મેં લિંક ઓપન કરી ત્યારે મારે બીજા કોઈ વ્યક્તીનો પર્સનલ કામ માટે કોલ આવતા આ ઓપન થયેલ લિંક બંધ કરી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે મારા મોબાઇલ ફોનમાં 50 થી 60 જેટલા અલગ અલગ જાહેરાત સંબંધિત ઓટીપી મેસેજ આવ્યા ત્યારબાદ મારા બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાંજેકશનથી પૈસા ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. જેમાં મારી જાણ બહાર મારા યશ બેન્કના ખાતામાથી કુલ રૂ.49,000 તથા કોટક મહિન્દ્રા બેન્કમાંથી કુલ રૂ.5,65,579 મળી કુલ રૂ.6,14,579 જેટલી રકમના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું. આ પછી મારી સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરી મારી સાથે બનેલ બનાવ અંગે જાણ કરી હતી અને જરૂરી વિગતો આપી અરજી કરી હતી. આ પછી મારા ક્રેડિટ કાર્ડમાંથી પણ કુલ રૂ.1,98,000 જેટલી રકમના વ્યવહારો થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેની પણ જાણ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરી અરજી નોંધાવી હતી. હાલ સાયબર ક્રાઇમ પોલીસે કુલ રૂ.8,12,579નો સાયબર ફ્રોડ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar