top
પરિવાર બહાર દર્શનાર્થે ગયોને તસ્કરો ઘરમાં ત્રાટકયા:એસ.પી. રિંગ રોડ પર શ્રીફળ એન્કલેવમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ. 7.63 લાખની મત્તા ચોરી તસ્કરો ફરાર
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વિંઝોલમાં શ્રીફળ એન્કલેવમાં રહેતા સોની પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. 7.63 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. પરિવાર બનાસકાંઠા ખાતે દર્શનાર્થે ગયો હતો ત્યારે મુખ્ય દરવાજા અને તિજોરીના લોક તોડી તસ્કરોએ ચોરી કરી હતી. વટવા જીઆઇડીસી પોલીસે ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રીફળ એન્કલેવમાં રહેતા અને વિનોબાભાવે નગરમાં સોની કામ કરતા 38 વર્ષીય નીતિન રસિક સોની 11 સપ્ટેમ્બરે પરિવાર સાથે બનાસકાંઠાના ભાભર ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા. 13 સપ્ટેમ્બરે પાડોશી મહેશ સોનીએ ફોન કરીને ફ્લેટનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. જેથી નીતિન અમદાવાદ આવી પહોંચતાં ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરીનું લોક તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન તિજોરીમાંથી રૂ. 6.65 લાખના આશરે 66.5 ગ્રામ સોનાના દાગીના, રૂ. 48 હજારની 480 ગ્રામ ચાંદીના દાગીના અને રૂ. 50 હજાર રોકડા ગુમ હતા. આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar