top
સુરતના કોમ્પ્યુટર ઓપરેટર સાથે મહારાષ્ટ્રના સીમકાર્ડના નામે ખેલ થઈ ગયો:દંપતી 5 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ, મની લોન્ડરિંગના નામે ધમકાવી ગઠિયાએ ₹13 લાખ પડાવ્યા
સુરત શહેરના ફૂલપાડા વિસ્તારમાં રહેતા અને એક ખાનગી પેઢીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 38 વર્ષીય હાર્દિક જયંતીભાઈ પટેલ અને તેમનાં પત્ની ભયાનક ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે. ગત 10 જાન્યુઆરીના રોજ સાંજના સમયે તેમના મોબાઈલ પર ટેલિકોમ વિભાગના નામે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સાયબર ઠગોએ તેમના નામે મહારાષ્ટ્રમાં અન્ય સિમકાર્ડ એક્ટિવ હોવાનું અને તેના દ્વારા ખંડણી-ધમકીના ગેરકાયદે કૃત્યો આચરાતા હોવાનો ખોટો આરોપ મૂક્યો હતો. આગામી બે કલાકમાં તેમનો નંબર બ્લોક થવાની અને ધરપકડથી બચવા મહારાષ્ટ્ર પોલીસની NOC મેળવવાની વાત કહીને દંપતીને ભારે ભયભીત કરી દેવાયું હતું. CBI અને ક્રાઈમ બ્રાન્ચના નામે બોગસ સેટઅપ શરૂઆતી ડર ઊભો કર્યા પછી આ શાતિર ટોળકીએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર સેલ તેમજ સીબીઆઈના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવીને વીડિયો કોલ જોડ્યો હતો. વીડિયો કોલ પાછળ બનાવટી પોલીસ મથકનો માહોલ, ઓફિશિયલ લોગો અને યુનિફોર્મ જેવું સેટઅપ ઊભું કરીને દંપતીનો વિશ્વાસ સંપાદિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠગોએ આક્ષેપ કર્યો કે હાર્દિકભાઈના નામે કેનેરા બેંકમાં બોગસ ખાતું ખોલાવીને કરોડો રૂપિયાની કાળી કમાણીની હેરાફેરી થઈ છે. વધુમાં, જેટ એરવેઝના ચકચારી નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસ સાથે નામ જોડી જેલભેગા કરવાની ધમકીઓ આપીને પરિવારને માનસિક રીતે ભાંગી નાખવામાં આવ્યો હતો. સતત 72 કલાક વીડિયો કોલ ચાલુ રખાવ્યો સાયબર ગઠિયાઓએ આ દંપતીને 10થી 15 જાન્યુઆરી સુધી સતત 5 દિવસ સુધી પોતાના સંપૂર્ણ નિયંત્રણમાં રાખી ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ કરી દીધા હતા. આ ગાળા દરમિયાન પ્રથમ તબક્કે સતત 22 કલાક 53 મિનિટ અને ત્યારબાદ બીજા તબક્કે અવિરત 72 કલાક 1 મિનિટ સુધી વીડિયો કોલ ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવી હતી. ગંભીર કાનૂની કાર્યવાહીના ભારે ડરના લીધે દંપતી રાત્રે ઊંઘતી વખતે પણ કેમેરો ઓન રાખવા મજબૂર બન્યું હતું. આરોપીઓએ તેમને ઘરની બહાર જવાની કે કોઈ સંબંધી સાથે વાતચીત કરવાની પણ સખત મનાઈ ફરમાવીને બંદીવાન બનાવી દીધા હતા. શેરબજારનું રોકાણ વેચાવી ₹13 લાખ પડાવ્યા માનસિક ભયના ઓથ હેઠળ ટોળકીએ રિઝર્વ બેંકના નામે બોગસ લેટર્સ મોકલી હાર્દિકભાઈની માસિક આવક અને ડીમેટ એકાઉન્ટમાં રહેલા રોકાણની તમામ અંગત માહિતી પડાવી લીધી હતી. સરકારી ચકાસણીના નામે ડીમેટ ખાતામાંથી શેર વેચાવી ₹12.60 લાખ સહિત કુલ ₹13 લાખ અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં પડાવી લીધા બાદ અચાનક તમામ સંપર્કો કપાઈ જતાં પોતે વિશાળ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. આખરે ભોગ બનનાર દંપતીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar