top
નવી રાજસ્થળી ગામે વાડીમાં નુકસાન કરી ખેડુતને ધમકી આપી:ટ્રેકટરથી એક વીઘાના પાકમાં અંદાજિત 45,000નું નુકસાન કર્યું હતું, ચાર સામે ફરિયાદ નોંધાઇ
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નવી રાજસ્થળી ગામે ગત 5 તારીખની સવારે ખેતરમાં કૌટુંબિક સભ્યો અને અન્ય બે અજાણ્યા શખ્સોએ ટ્રેક્ટર ચલાવી ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. જમીન કે ખેતરના વિવાદ વચ્ચે આ શખ્સોએ ખેડૂતના એક વીઘામાં વાવેલા કપાસના પાક પર ટ્રેક્ટર ફેરવી આશરે રૂ. 45,000નું નુકસાન કર્યું હતું. આ મામલે પીડિત ખેડૂતે વલ્લભીપુર પોલીસ મથકમાં ચાર શખ્સો સામે નામજોગ અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બે અજાણ્યા શખ્સો ટ્રેક્ટર વડે કપાસના પાકને રગદોળ્યો નવી રાજસ્થળી ગામે રહેતા ખીમરાજસિંહ લાલુભા ગોહિલ જ્યારે સવારે દસ વાગ્યાના સુમારે પોતાના સીમાળાની સીમમાં આવેલા ખેતરે પહોંચ્યા ત્યારે અકસ્માત સર્જનારો આ બનાવ નજરે પડ્યો હતો. તેમના કૌટુંબિક ભાઈ મહેન્દ્રસિંહ નારુભા ગોહિલ, તેમના પિતા નારુભા સુરુભા ગોહિલ તથા અન્ય બે અજાણ્યા શખ્સો ટ્રેક્ટર વડે કપાસના પાકને રગદોળી રહ્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી જ્યારે ખીમરાજસિંહે પાકને નુકસાન પહોંચાડવા અંગે વિરોધ દર્શાવી કારણ પૂછ્યું, ત્યારે મહેન્દ્રસિંહે તેમને ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે હવે પછી જો આ ખેતરમાં પગ મુકશો તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું. 4 સામે ગુનો નોંધાયો આ ઘટના બાદ ખેડૂતે તુરંત જ કાયદાકીય માર્ગ અપનાવી પોલીસનો સંપર્ક કર્યો હતો. વલ્લભીપુર પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે ચારેય શખ્સો સામે BNS એક્ટની કલમ 324(4), 54, અને 351(3) મુજબ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar