business
કોર્પોરેટર રચના હીરપરાને સસ્પેન્ડ કરાતાં સભાગૃહમાં ભારે હોબાળો:ખાડીપૂર અને વળતર મુદ્દે 30 વર્ષના શાસનની પોલ ખોલી હતી, અસરગ્રસ્તોને ઓછું વળતર ચૂકવ્યાનો આક્ષેપ
સુરત મહાનગરપાલિકાની નવી ટર્મની બીજી સામાન્ય સભામાં ખાડીપૂર, વહીવટી નિષ્ફળતા અને સ્થાનિક સમસ્યાઓ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. સભાની શરૂઆતથી જ વાતાવરણ તંગ બન્યું હતું. ખાડીપૂર અને અસરગ્રસ્તોને અપાયેલા વળતર મુદ્દે વિપક્ષી મહિલા કોર્પોરેટર રચના હીરપરાએ કહ્યું કે, વર્ષોથી શહેરમાં ખાડીપૂર આવે છે અને કોર્પોરેટરો બદલાય છે, પરંતુ લોકોની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર પર થૂ છે. 30 વર્ષના લાંબા શાસન પછી પણ જો સુરત શહેર ખાડીપૂરની ઝપેટમાં આવી જતું હોય તો તે સત્તાધીશો માટે અત્યંત શરમજનક બાબત છે. 'સરકારે સારું કામ કર્યું હોત તો શહેરમાં પૂર જ ન આવત' હીરપરાએ આક્ષેપ કર્યો હતો કે, અસરગ્રસ્ત નાગરિકોને ઓછું વળતર ચૂકવવામાં આવ્યું છે તેમજ સહાય મેળવવા માટે ફરજિયાત સહી કરાવી લેવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. આ આક્ષેપોનો વિરોધ કરતાં શાસક પક્ષના પૂર્વ નેતા અમિત રાજપૂતે સરકારનું કામ સારું હોવાનો દાવો કર્યો હતો અને વિપક્ષ આ મુદ્દાને ખોટી રીતે ટ્વિસ્ટ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. રચના હીરપરાએ કહ્યું હતું કે, “સરકારે સારું કામ કર્યું હોત તો શહેરમાં પૂર જ ન આવત.” મેયર માયા માવાણીએ સસ્પેન્ડ કરતાં સભાગૃહમાં હોબાળો આ આક્રમક રજૂઆતનો રાજકીય ઉકેલ લાવવાને બદલે મેયર માયાબેન માવાણીએ હીરપરાને સસ્પેન્ડ કરી દેતાં સભાગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. વિપક્ષે તેને લોકશાહીની હત્યા અને સત્તાપક્ષની આપખુદશાહી ગણાવી હતી, જ્યારે ભાજપ તરફથી તેમને બે સભા માટે સસ્પેન્ડ કરવાની માંગ અને માફી ન માંગે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી અપાઈ હતી. 'કરંજમાં વધતી વસ્તી સામે ડ્રેનેજ વ્યવસ્થા સાવ ખાડે ગઈ' બીજી તરફ, સામાન્ય સભામાં અન્ય કોર્પોરેટરોએ પણ પોતાના વિસ્તારોની પાયાની સમસ્યાઓ રજૂ કરી હતી. કરંજ વિસ્તારના મહિલા કોર્પોરેટર મનીષા આહીરે જણાવ્યું હતું કે, કરંજ મનપામાં ભળેલા શરૂઆતના વિસ્તારો પૈકીનો એક છે, પરંતુ વધતી વસ્તી સામે ડ્રેનેજ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. બે ટીપી સ્કીમ હેઠળની સોસાયટીઓમાં અગાઉ બે વખત રજૂઆતો છતાં સમસ્યા યથાવત છે. તેમણે વરાછા માટે નવો ડેપો, પૂરતી મશીનરી અને મેનપાવર સાથે નવી ડ્રેનેજ લાઇન નાખવાની માંગ કરી હતી. અસામાજિક તત્વોના અડ્ડાઓ, બેફામ ગેરકાયદે દબાણો સહિતની સમસ્યા આ ઉપરાંત વેસુ વિસ્તારના કોર્પોરેટર રશ્મી સાબુએ ખાટું શ્યામ મંદિર પાસે હાઈરાઈઝ બિલ્ડીંગો નજીક સર્જાતા જળભરાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સર્વે પૂર્ણ થઈ ગયો હોવા છતાં કામગીરી શરૂ ન થતાં આગામી ચોમાસામાં ફરી પાણી ભરાવાની ભીતિ છે, જેથી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાય. સાથે જ કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડાઓ, બેફામ ગેરકાયદે દબાણો અને ગંભીર ટ્રાફિક સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી દબાણો તાત્કાલિક હટાવવાની માંગ કરી હતી. આખી સભા દરમિયાન લોકપ્રશ્નોની ચર્ચા કરતાં રાજકીય ટકરાવ અને સસ્પેન્શનનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો.
Read full article on Divya Bhaskar