business
ઇન્કમટેક્સ કર્મચારી પાસે વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી કરતા 3 ઝડપાયા:મકાન રિનોવેશનના ₹70,000 સામે ₹5.04 લાખ ચૂકવ્યા હતા, 35% ઊંચા વ્યાજ સાથે પઠાણી ઉઘરાણી
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને ઈન્કમ ટેક્સ ઓફિસમાં નોટિસ સર્વર તરીકે ફરજ બજાવતા કર્મચારી પાસે મકાન રિનોવેશન, લોનના હપ્તા અને મિત્રની જરૂરિયાત માટે લીધેલા નાણાં સામે 20% થી 35% સુધીનું ઊંચું વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાના મામલે ઘોઘારોડ પોલીસે ત્રણ વ્યાજખોરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો? સુભાષનગરમાં રહેતા પરજન્ય ઉમેશભાઈ ઓઝાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં રાજદેવસિંહ વાળા, ભૌતિક મેર અને રવિ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરજન્યભાઈએ મકાન રિનોવેશન માટે રાજદેવસિંહ વાળા (રહે. ચાવડીગેટ) પાસેથી ₹70,000 લીધા હતા. જેની સામે ₹5.04 લાખ ચૂકવી દીધા હોવા છતાં, મુંબઈ ખાતે બળજબરીથી ATM મેળવી ખાતામાંથી વધુ ₹1.25 લાખ ઉપાડી લીધા હતા. ભૌતિક મેર (રહે. બોરડીગેટ) પાસેથી સાથી કર્મચારી માટે 35% ના વ્યાજે ₹40,000 લીધા હતા. જે પેટે ₹1.80 લાખ ચૂકવ્યા છતાં વધુ ₹30,000 પડાવ્યા હતા અને છરી બતાવી ₹5 લાખની માંગણી કરી મકાનનો કબજો લેવાની ધમકી આપી હતી. રવિ પરમાર (રહે. ભાવનગર) પાસેથી લોનના હપ્તા ભરવા 20% ના વ્યાજે લીધેલા ₹50,000 સામે દર મહિને ₹10,000 આપવા છતાં વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરતા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે BNS એક્ટની વિવિધ કલમો, ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar