top
હત્યારો બાપ પોલીસની ગિરફ્તમાં:મારો છોકરો છે એની શું સાબિતી? કહી 3 માસના દીકરાને કૂવામાં ફેંકી મારી નાખ્યો, પત્ની સાથે ઝઘડા બાદ માસૂમ ભોગ બન્યો
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાલદડા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ જ પોતાના અબોધ અને ત્રણ માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકીને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પત્ની પિયર જતી એટલે વહેમાતો પ્રાપ્ત માહિતી અનુસાર, પત્નીના વારંવાર પિયર જવા બાબતે પતિ અને પત્ની વચ્ચે અવારનવાર તણાવ રહેતો હતો, જે મામલે તે દિવસે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડો એટલો વધી ગયો કે આરોપી પતિ આશીષ ભુરીયા ઉશ્કેરાઈ ગયો. પત્ની પરના રોષમાં તેણે બાળકના પિતૃત્વ સામે શંકા ઉપસ્થિત કરી અને "આ છોકરો મારો છે તેની શું સાબિતી?" તેમ કહીને ખાટલા પર સૂતેલા ત્રણ માસના માસૂમ બાળક લવ્યાંશને અચાનક ઊંચકી લીધો અને તેને નજીકના કૂવામાં ફેંકી દીધો. કૂવામાં ડૂબી જવાથી ત્રણ માસના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. બાળકની લાશને કૂવામાંથી કઢાઈ બનાવ બાદ ગ્રામજનો અને પરિવારજનોની મદદથી કૂવામાંથી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ત્રણ માસના માસૂમ લવ્યાંશનો દેહ કૂવામાંથી બહાર કાઢીને પીએમ અર્થે ગોઠીબ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે મૃતક બાળકની માતા હિનાબેનની સચોટ ફરિયાદના આધારે સંતરામપુર પોલીસે આરોપી પિતા આશીષ ભુરીયા વિરુદ્ધ BNS કલમ 103(1) હેઠળ હત્યાનો ગંભીર ગુનો નોંધી લીધો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને હાલ આ કેસમાં વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar