business
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાલે ઇમિગ્રેશન ઈન્સ્પેક્શન:લોકાર્પણના 3 વર્ષ બાદ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થઈ, ચેમ્બર ઓફ કોમર્સનો દિવાળી પૂર્વે દુબઇ, બેંગકોકની ફ્લાઇટ શરૂ કરાવવાનો દાવો
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના 3 વર્ષ પૂર્ણ થયા બાદ પણ એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થતા સૌરાષ્ટ્રના લોકો અને ઉદ્યોગકારોમાં ભારે નારાજગી ફેલાઈ છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવાળીના તહેવાર પૂર્વે તમામ એર લાઇન્સ કંપનીઓને રજૂઆત કરી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરાવવામાં આવશે. આવતીકાલે 13 ઓગસ્ટના અમદાવાદથી મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સની એક ટીમ ઇમિગ્રેશનની ચકાસણી માટે આવી રહી છે ત્યારે રાજકોટથી દુબઇ અને બેંગકોકની ફ્લાઇટ શરૂ થાય તો સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો, દર્દીઓ, ટુરિસ્ટો સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો થશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એ૨પોર્ટ બનાવવા માટે ઓથોરીટી દ્વારા વર્ષ 2010માં મંજુરી આપવામાં આવેલ હતી. પરંતુ વર્ષ 2016 સુધી આ બાબતે કોઈપણ કાર્યવાહી થયેલ ન હતી. ત્યારે વર્ષ 2016 થી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ખાસ જહેમત ઉઠાવીને કેન્દ્ર તથા રાજય સરકારના ઉડયનમંત્રી, સંસદ સભ્યોને અનેકવાર દિલ્હી તથા ગાંધીનગર રૂબરૂ મુલાકાતો લઈ મિટીંગો યોજી રજુઆતો કરી આ પ્રોજેકટને તાત્કાલીકના ધોરણે શરૂ કરવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના ફળસ્વરૂપે વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. જે બાદ તા.27મી જુલાઈ 2023ના રોજ લોકાર્પણ કરીને સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટને નજરાણારૂપે હિરાસર ખાતે ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એ૨પોર્ટ મળ્યું. આ ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાને આશરે ત્રણ વર્ષ વીતી ગયેલ હોય એકપણ ઈન્ટરનેશનલ ફલાઈટ હજુ શરૂ થયેલ નથી. આ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સાંસદ સભ્ય પરષોતમ રૂપાલાને પત્ર લખી ઈન્ટરનેશનલ ફલાઈટો વ્હેલીતકે શરૂ થાય તે માટે સંસદમાં રજુઆત કરવા ખાસ ભલામણ કરેલ હતી. જે અનુસંધાને રૂપાલાએ આ પ્રશ્ન સંસદમાં રજુ કરેલ હતો ત્યારે સીવીલ એવીએશન આ બાબતે સંપુર્ણ પણે તૈયાર છે પરંતુ આ માટે એરલાઈન્સ કંપનીઓને સંપર્ક કરવાનું જણાવેલ હતું. રાજકોટ ચેમ્બ૨ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કોઈપણ સંજોગોમાં સાંસદ સભ્યોને સાથે રાખી તમામ એરલાઈન્સ કંપનીઓનો સંપર્ક કરી ગમે તે સંજોગોમાં આગામી દિવાળી તહેવાર પહેલા એક થી બે મહિનામાં ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને ઈન્ટરનેશનલ ફલાઈટ લાવવા માટે ગમે તે કરવું પડે તે માટે ઘટતું કરવા તૈયાર છે. રાજકોટ (હિરાસર) ઈન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ્સ કલીયરન્સની સુવિધા મળી ગઈ છે. ઈમિગ્રેશન માટે આવતીકાલે અમદાવાદથી ટીમ ચકાસણી માટે આવી રહી છે તો તાત્કાલીક અસરથી ઈન્ટરનેશનલ ફલાઈટ જેવી કે રાજકોટ-દુબઈ કે રાજકોટ-બેંગકોક માટેની શરૂ થાય અને મિડલ ઈસ્ટના શહેરોને કનેકટીવીટી મળે તો સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારો, મેડીકલ ઈમરજન્સી જતા દર્દીઓ, ટુરીસ્ટો તેમજ આમ જનતા સહિત સર્વાંગી ફાયદો થશે. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સાંસદ સભ્યને સાથે રાખી આશરે બે મહિનામાં ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂ થાય તે માટે ખાસ જહેમત ઉઠાવશે. રાજકોટ એરપોર્ટથી 13 ફ્લાઈટની ઉડાન ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન 6E 6174/5004 - દિલ્હી - 7.55 - દૈનિક 6E 7045/7046 - નવી મુંબઈ - 8.25 - મંગળ, ગુરુ, રવિવાર AIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિક 6E 5156/233 - મુંબઈ - 9.15 - દૈનિક AI 885/886 - દિલ્હી - 10.00 - દૈનિક 6E 956/957 - પુણે - 10.20 - મંગળ, બુધ, ગુરુ, શનિવાર 6E 2284/2283 - મુંબઈ - 13.45 - દૈનિક 6E 6507/6508 - બેંગ્લોર - 15.55 - દૈનિક 6E 273/5271 - મુંબઈ - 16.20 - દૈનિક 6E 6983/6984 - દિલ્હી - 17.50 - દૈનિક AI 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક 6E 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક 6E 6823/6824 - હૈદરાબાદ - 20.10 - દૈનિક
Read full article on Divya Bhaskar