business
2.77 લાખ ટેક્સ ધારકો સુધી બિલ પહોંચ્યા નહીં:ખાનગી પ્લોટમાં ફૂડ કોર્ટ સહિતની કોમર્શિયલ પ્રવૃત્તિઓનો સર્વે કરી ટેક્સ માટે નોટિસ મોકલાશે
શહેરીજનોને ટેક્સ ભરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિલ મોકલવામાં આવે છે. વર્ષ 2026-27 માટે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ બિલ વિતરણની કામગીરી પણ ચાલી રહી છે. 8 સપ્ટેમ્બર, 2026 સુધીના આંકડા મુજબ શહેરમાં કુલ 26,51,178 બિલમાંથી 23,73,243 બિલનું વિતરણ પૂર્ણ થયું છે, એટલે કે 89.52% કામગીરી પૂર્ણ થઈ છે. હજુ 2,77,935 બિલનું વિતરણ બાકી છે. ત્રણ મહિનામાં બિલ દરેક ઘર સુધી પહોંચી જવા જોઈએ પરંતુ હજી સુધી અનેક નાગરિકો સુધી બિલ પહોંચ્યા નથી જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં વિરાટનગર, ઓઢવ, નિકોલ સહિતના વિસ્તારોમાં બિલો પહોંચ્યા નથી. હજારો મિલકતધારકો સુધી બિલ પહોંચાડવાનું બાકી: મુકેશ પટેલ રેવન્યુ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ત્રણ મહિનામાં બિલ વિતરણની કામગીરી પૂર્ણ કરવાની હોય છે. હવે બિલ વિતરણ માટે આશરે 20 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે શહેરના હજારો મિલકતધારકો સુધી બિલ પહોંચાડવાનું હજુ બાકી છે. પૂર્વ ઝોનમાં કુલ 5,00,530 બિલમાંથી 1,18,406 બિલ હજુ વિતરણ માટે બાકી છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ જે મિલકતધારકોને પ્રોપર્ટી ટેક્સનું બિલ સમયસર નહીં મળે તેમને ચુકવણી માટે પૂરતો સમય આપવામાં આવશે. બિલ મોડું મળ્યું હોય તેવા કિસ્સામાં બિલની રકમ પર એક મહિના સુધી વ્યાજ લાગવા દેવામાં નહીં આવે, તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હવે કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવશે શહેરમાં ખાનગી પ્લોટમાં ખાણીપીણીની દુકાનો, ફૂડ કોર્ટ અને લારીઓ સહિત મોટા પાયે કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી છે. જોકે આવા પ્લોટોમાંથી અમુક જ જગ્યાએ કોમર્શિયલ ટેક્સ વસૂલાતો હોવાની બાબત સામે આવતા હવે કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવશે. રેવન્યુ કમિટીના ચેરમેન મુકેશ પટેલે આવી તમામ કોમર્શિયલ પ્રવૃત્તિ ધરાવતા પ્લોટને ઓળખી તેમની આકારણી કરવા માટે એક મહિનામાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ આપવા સૂચના આપી છે. મળતી માહિતી મુજબ પશ્ચિમ અમદાવાદમાં મોટાભાગના ફૂડ કોર્ટ આવેલા છે, જ્યારે પૂર્વ અમદાવાદમાં તેની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. જોકે શહેરમાં કુલ કેટલા ફૂડ કોર્ટ કાર્યરત છે તેના ચોક્કસ આંકડા હાલમાં વિભાગ પાસે નથી. સર્વે બાદ તેની વિગતો બહાર આવશે. મોટા ફૂડ કોર્ટમાંથી કોમર્શિયલ ટેક્સની આકારણી કરવામાં આવે છે, પરંતુ જે ફૂડ કોર્ટ અથવા અન્ય કોમર્શિયલ પ્રવૃત્તિઓ ટેક્સની આકારણીમાંથી છૂટી ગઈ હોય તેને હવે શોધવામાં આવશે અને નિયમ મુજબ તેની આકારણી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar