top
દક્ષિણ ગુજરાતમાં હાઇકોર્ટ સર્કિટ બેન્ચની માંગણી તેજ:સુરત બાર એસોસિએશને 25 સિનિયર વકીલોની ખાસ કમિટી રચી, વકીલ મંડળો એકસૂરે સરકાર સમક્ષ કરશે રજૂઆત
દક્ષિણ ગુજરાતના પક્ષકારો અને વકીલો માટે સુલભ ન્યાય સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી ગુજરાત હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીએ હવે જોર પકડ્યું છે. આ મહત્વપૂર્ણ અભિયાનને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવવા સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા એક ખાસ ‘હાઇકોર્ટ બેન્ચ કમિટી’ની સત્તાવાર રચના કરવામાં આવી છે. આ કમિટીમાં 20 થી 50 વર્ષ સુધીની વકીલાતનો બહોળો અનુભવ ધરાવતા 25 જેટલા સિનિયર ધારાશાસ્ત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેઓ સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ આ માંગણીને મજબૂત રીતે રજૂ કરવા તેમજ સમગ્ર આંદોલનનું નેતૃત્વ સંભાળવા મુખ્ય ભૂમિકા ભજવશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા બાર એસોસિએશનો સાથે સંયુક્ત બેઠક મળશે રચાયેલી આ વિશેષ કમિટી દ્વારા આગામી દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા વકીલ મંડળોના પ્રમુખો અને હોદ્દેદારો સાથે એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં સર્કિટ બેન્ચની માંગણીને વધારે પ્રભાવશાળી રીતે ઉઠાવવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તમામ જિલ્લાના એસોસિએશનો એક મંચ પર આવીને સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરશે, જેથી સમગ્ર પ્રદેશમાંથી એક અવાજે આ માંગણી શાસન સમક્ષ મૂકી શકાય. આંદોલનાત્મક કાર્યક્રમો અને કાનૂની રજૂઆતોની રૂપરેખા કમિટી નક્કી કરશે હાઇકોર્ટ બેન્ચ માટે કાર્યરત થયેલી આ 25 સભ્યોની ટીમ કયા કયા સરકારી, વહીવટી અને ન્યાયિક પ્લેટફોર્મ પર રજૂઆતો કરવી તેની સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ તૈયાર કરશે. આ ઉપરાંત બેન્ચની સ્થાપના માટે લોકજાગૃતિ લાવવા અને જરૂર પડ્યે આંદોલનાત્મક પગલાં, સભાઓ કે આવેદનપત્રો આપવા અંગેના તમામ નીતિગત નિર્ણયો આ સિનિયર વકીલોની કમિટી દ્વારા જ લેવામાં આવશે, જેથી સમગ્ર લડતને એક સુવ્યવસ્થિત દિશા આપી શકાય. પક્ષકારોના સમય અને મુસાફરી ખર્ચની મોટી બચત થશે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની સતત વધતી વસ્તી અને કોર્ટ કેસોના ભારણને જોતાં સુરત ખાતે સર્કિટ બેન્ચની સ્થાપના અત્યંત જરૂરી બની ગઈ છે. હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ લાવવા તેમજ સામાન્ય નાગરિકોને અમદાવાદ સુધીના લાંબા અંતરની દોડધામમાંથી મુક્તિ આપવા આ પગલું અનિવાર્ય છે. સુરતમાં બેન્ચ શરૂ થવાથી હજારો પક્ષકારો અને વકીલોના સમય, મુસાફરીના ખર્ચ તેમજ સંસાધનોની મોટી બચત થશે અને લોકોને ઘરઆંગણે ઝડપી તથા સસ્તો ન્યાય ઉપલબ્ધ બનશે.
Read full article on Divya Bhaskar