business
225 તાલુકા પંચાયતના પ્રમુખોને ગાંધીનગરનું તેડું:આવતીકાલે સત્તા-જવાબદારીનું ‘પાવર અવેરનેસ’ સેશન, CM કરશે ઉદ્ઘાટન
રાજ્યમાં નવી ચૂંટાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોને વહીવટ, સત્તા અને જવાબદારી અંગે માર્ગદર્શન આપવા માટે ગાંધીનગરમાં વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર વિધાનસભા ખાતે યોજાનારી આ કાર્યશાળામાં રાજ્યના 225 તાલુકા પંચાયતના પ્રમુખ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે 9 વાગ્યે શરૂ થનારી કાર્યશાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે. કાર્યશાળામાં નવા ચૂંટાયેલા પંચાયતના હોદ્દેદારોને તેમની સત્તા, જવાબદારી અને વહીવટી કામગીરી અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્નોનું અસરકારક રીતે નિરાકરણ કેવી રીતે લાવવું, પંચાયતના વહીવટને વધુ સુચારુ કેવી રીતે બનાવવો અને વિકાસના કામોમાં પંચાયતની ભૂમિકા કેવી રીતે અસરકારક બનાવી શકાય તે અંગે માર્ગદર્શન અપાશે. CMના ઉદ્ઘાટન બાદ વિવિધ સેશન કાર્યશાળામાં પંચાયતના હોદ્દેદારો માટે અલગ-અલગ માર્ગદર્શન સેશન યોજાશે. તેમાં પંચાયતના અધિકારો અને ફરજો, વહીવટી પ્રક્રિયા, વિકાસલક્ષી કામગીરી તેમજ લોકપ્રશ્નોના નિરાકરણ જેવા મુદ્દાઓ પર નિષ્ણાતો અને અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવશે. પંચાયત મંત્રી પણ કાર્યશાળામાં હાજરી આપી માર્ગદર્શન આપશે. કાર્યશાળાના સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હાજરી આપશે. નવી ચૂંટાયેલી પંચાયત બોડીના હોદ્દેદારોને શરૂઆતથી જ પોતાની સત્તા અને જવાબદારીનું યોગ્ય ભાન થાય તથા ગ્રામ્ય સ્તરે સરકારની યોજનાઓનો અસરકારક અમલ થાય તે હેતુથી આ તાલીમ કાર્યક્રમ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
Read full article on Divya Bhaskar