top
ગીર સોમનાથ જિલ્લામાં 21 સપ્ટેમ્બરથી સેવાસેતુ 2.1:8થી 10 ગામોના ક્લસ્ટરમાં યોજાશે કાર્યક્રમો, ગ્રામજનોને ઘરઆંગણે મળશે વિવિધ સરકારી સેવાઓનો લાભ
ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી સેવાસેતુ 2.1 (ગ્રામ્ય)નું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. તા. 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર, 2026 દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. જિલ્લા સેવા સદનમાં આયોજન અંગે બેઠક સેવાસેતુના બીજા તબક્કાના આયોજનને લઈને જિલ્લા સેવા સદનના વી.સી. હોલ ખાતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિભાગવાર આયોજન, લાભાર્થીઓની યાદી તૈયાર કરવા, જરૂરી દસ્તાવેજોની પૂર્વ તૈયારી કરવા તેમજ વિવિધ સરકારી યોજનાઓના સંતૃપ્તિકરણ માટેની કામગીરી અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવાશે સેવાસેતુ દરમિયાન વેરાવળ (ગ્રામ્ય), તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીરગઢડા સહિતના તાલુકાઓને આવરી લેવામાં આવશે. તાલુકા દીઠ આશરે 8થી 10 ગામોનું ક્લસ્ટર બનાવી કાર્યક્રમોનું આયોજન કરાશે. આ માટે નોડલ અધિકારીઓની નિમણૂક, સ્થળ અને તારીખની ફાળવણી, ક્લસ્ટર મુજબ લાભાર્થીઓની યાદી તથા બાકી કામગીરીની સંખ્યાત્મક વિગતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રેશનકાર્ડથી આધારકાર્ડ સુધીની સેવાઓ ઉપલબ્ધ થશે સેવાસેતુના સ્થળે જ નાગરિકોને અનેક મહત્વપૂર્ણ સરકારી સેવાઓનો લાભ મળશે. જેમાં રેશનકાર્ડમાં નામ ઉમેરવા-કમી કરવા તથા સુધારા-વધારા, જન્મ-મરણ પ્રમાણપત્ર, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય, જાતિ પ્રમાણપત્ર, આવકના દાખલા, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નમોશ્રી યોજના, આધારકાર્ડની નોંધણી અને સુધારા, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા હેલ્થ વેલનેસ કાર્ડ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. મહિલાઓ અને બાળકો માટે પણ વિવિધ સેવાઓ આ ઉપરાંત કુંવરબાઈનું મામેરું યોજના તેમજ આઈ.સી.ડી.એસ. અંતર્ગત નાના બાળકોના આધારકાર્ડ સહિતની વિવિધ નાગરિકલક્ષી સેવાઓ પણ સેવાસેતુના સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વિના નજીકના સ્થળે જ જરૂરી સેવાઓ મેળવવાની સુવિધા મળશે. સરકારી યોજનાઓના સંતૃપ્તિકરણ પર ભાર બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પી.એમ. કિસાન, ગંગા સ્વરૂપા વિધવા સહાય, જન ધન યોજના, સ્વામિત્વ અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની યોજનાઓનો વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટે સંકલિત પ્રયાસો કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ વિવિધ યોજનાઓની કામગીરી સંતૃપ્તિકરણ સુધી પહોંચે તે માટે જરૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ ભાર મૂકાયો હતો. બેઠકમાં પ્રાંત અધિકારીઓ જે.વી. કાકડિયા અને કે.આર. પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા સહિત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ આરોગ્ય, ખેતીવાડી અને અન્ય વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar