crime
‘મારો દીકરો સીધો હતો, છેતરીને છરીના ઘા ઝીંકી પતાવી દીધો’:સુરેન્દ્રનગરમાં 19 વર્ષીય યુવકના ગળા અને માથાના ભાગે છરીના ઘા મારી 15 વર્ષના સગીરે હત્યા કરી
સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન રેલવે સ્ટેશન પાસે ચા ન મંગાવવાના મનદુઃખમાંથી શરૂ થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો હતો. ચાર માળીયા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે 19 વર્ષીય જાવેદ પારેડી પર 15 વર્ષીય સગીરે છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા જાવેદને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતથી આઘાતમાં આવેલી માતાએ ચોધાર આંસુએ જણાવ્યું હતું કે, “મારો દીકરો એકદમ સીધો હતો, કોઈની સાથે ક્યારેય બાઝ્યો નથી. છેતરીને છરીના ઘા ઝીંકી પતાવી દીધો.” પરિવારના આક્રંદથી સમગ્ર માહોલ ગમગીન બન્યો હતો. દીકરો કામેથી ઘરે આવતો હતો, હત્યારો છરી લઈને રાહ જોતો હતો : મૃતક યુવકના પિતા મૃતકના પિતાએ પણ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, “મારો દીકરો સાંજે કામેથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે હત્યારો નાકે છરી સાથે રાહ જોઈને જ બેઠો હતો.” સામાન્ય બાબતે શરૂ થયેલા વિવાદે પરિવારનો દીકરો છીનવી લેતા પરિવારજનોમાં ભારે શોક વ્યાપ્યો છે. રેલવે સ્ટેશન પાસે ચા પીવા ગયા હતા મિત્રો પોલીસ ફરિયાદ મુજબ, જાવેદ તેના મિત્રો સિકંદર ઉર્ફે સિક્કો રમજાનભાઈ મોવર, રોહિત, સલમાન મોવર, સાહિલ ભટ્ટી અને 15 વર્ષીય સગીર સાથે બાઈક અને એક્ટિવા પર સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના ગેટ પાસે ચા પીવા ગયો હતો. આ દરમિયાન 15 વર્ષીય સગીર સિવાય તમામ મિત્રો માટે ચા મંગાવવામાં આવી હતી. પોતાના માટે ચા ન મંગાવાતા સગીર નારાજ થયો હતો. પાણીની ટાંકી પાસે બોલાચાલી બાદ છરીના ઘા તા. 22 સપ્ટેમ્બરની મોડી સાંજે જાવેદ અને સગીર ચાર માળીયા પાસે આવેલી પાણીની ટાંકી નજીક મળ્યા હતા. ચા ન મંગાવવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સગીરે અપશબ્દો બોલી પોતાની પાસે રહેલી છરી વડે જાવેદના ગળા અને માથાના ભાગે ઘા કર્યા હતા. દેકારો થતાં આસપાસના લોકો એકત્રિત થયા હતા. તે સમયે સગીર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં જાવેદને તેના મિત્રો એક્ટિવા પર બેસાડીને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના મિત્ર સિકંદર મોવરના જણાવ્યા મુજબ, તેઓ પાણીની ટાંકી પાસે પહોંચ્યા ત્યારે જાવેદ અને સગીર વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ રહી હતી. આ દરમિયાન સગીરે જાવેદને છરીના બે ઘા કર્યા હતા, જેમાં એક ગળાના ભાગે અને બીજો માથાના ભાગે વાગ્યો હતો. હુમલા બાદ સગીર ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ સિકંદર અને શિવ દેવીપૂજકે જાવેદને એક્ટિવા પર હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ધોરણ-9માં ભણતો 15 વર્ષનો સગીર જાવેદની હત્યાનો આરોપી માત્ર 15 વર્ષનો છે અને શહેરની એક ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. બનાવને પગલે બાળકોના વર્તન અને તેમના પર મોબાઈલ તથા અન્ય ડિજિટલ કન્ટેન્ટની અસર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, પોલીસે હત્યાના બનાવમાં સગીરને કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી તરીકે હસ્તગત કર્યો છે. આગામી દિવાળી બાદ થવાની હતી સગાઈ મૃતક જાવેદ પારેડીની ચાર માળીયામાં રહેતી યુવતી સાથે સગાઈની વાત નક્કી થઈ હતી. આશરે ત્રણ મહિના પહેલાં બંને પરિવારોએ એકબીજાનું મોં મીઠું કરાવી સંબંધ નક્કી કર્યો હતો. આગામી દિવાળી બાદ સગાઈ અને ત્યારબાદ 4-5 વર્ષમાં નિકાહ કરવાની વાત હતી. જાવેદના અચાનક મોતથી બંને પરિવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. બે મહિનામાં હત્યાના પાંચ બનાવ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ઓગસ્ટ તથા સપ્ટેમ્બર દરમિયાન હત્યાના પાંચ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. તા. 4 ઓગસ્ટે ધ્રાંગધ્રાના ચુલી ગામે પત્ની વર્ષાબેનની હત્યા બાદ પતિ પ્રવીણ રાઠવાએ આત્મહત્યા કરી હતી. તા. 15 ઓગસ્ટે દસાડાના પોરડા ગામે વૃદ્ધ કડવાભાઈ વરમોરાની હત્યા થઈ હતી, જેનો ભેદ હજુ ઉકેલાયો નથી. આ ઉપરાંત તા. 18 ઓગસ્ટે રાજેશ કાંઝીયાએ પત્ની સોનલબેનની અને તા. 4 સપ્ટેમ્બરે રાહુલ પારધીએ દરકાસબેનની હત્યા કરી હતી. હવે તા. 22 સપ્ટેમ્બરે ચા જેવી સામાન્ય બાબતે જાવેદની હત્યાનો બનાવ સામે આવ્યો છે.
Read full article on Divya Bhaskar