top
રાજકોટમાં સફાઈ કામદારોની ભરતીમાં ગેરરીતિનો આરોપ:કામદાર યુનિયન દ્વારા બિમલરાજ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માંગ કરાઈ, ગ્રામસેવકોની ગાંધી જયંતીથી હડતાલની ચિમકી, મનપાને રૂ. 17 કરોડનો 'સુપ્રીમ' ઝટકો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદારોની ભરતીમાં સંબંધિત એજન્સી દ્વારા ગંભીર ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આજે રાજકોટ કામદાર યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં કામદારો મહાનગરપાલિકા કચેરીએ ઉમટી પડ્યા હતા. સફાઈ કામદારોએ ભેગા મળીને એજન્સી સામે કડક પગલાં લેવાની માગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. સફાઈ કામદારોની રજૂઆત મુજબ, મહાપાલિકા હેઠળ કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારીઓને નિયમ મુજબ પૂરો પગાર અપાતો નથી, જેના કારણે કામદારોનું ભારે આર્થિક શોષણ થઈ રહ્યું છે. ઉપરાંત, કામદારોના નિયમ મુજબ પીએફ કપાત કરવામાં આવતી નથી કે તેમને પગાર સ્લિપ પણ આપવામાં આવતી નથી. પગાર સ્લિપના અભાવે કામદારો પોતાના પગાર, કપાત અને અધિકારો વિશે અજાણ રહે છે. યુનિયને બિમલરાજ એજન્સી પર સતત ભેદભાવ અને ગેરરીતિ આચરવાનો આક્ષેપ કર્યો છે, અને એજન્સીને તાત્કાલિક ધોરણે બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામસેવકોની ગાંધી જયંતીથી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલની ચિમકી, રાજકોટમાં કલેક્ટરને રજૂઆત રાજ્યમાં લાંબા સમયથી પડતર માંગણીઓ અને અન્ય સંવર્ગો જેમ કે રેવન્યુ તલાટી, તલાટી-કમ-મંત્રી અને ખેતી મદદનીશની કામગીરીનું અનાવશ્યક દબાણ કરવામાં આવતું હોવાના વિરોધમાં ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગાંધી ચિંધીયા માર્ગે આંદોલનનાં મંડાણ કરવામાં આવ્યા છે. ગ્રામસેવકોના પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવતા આ મુદ્દે આજે રાજકોટ જિલ્લાના ગ્રામસેવકોએ કલકેટર કચેરી ખાતે પહોંચી અધિક કલેકટર જય બારોટને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે ગુજરાત રાજય ગ્રામસેવક મહામંડળના ઉપપ્રમુખ કેવલ ગોડેશ્વરે જણાવ્યું હતું કે, આંદોલનના પ્રથમ તબક્કામાં 08 સપ્ટેમ્બર 2026ના રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે 10 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ આજે આવેદનપત્ર જિલ્લા મથકો પર સુપ્રત કરવામાં આવ્યા છે. આગામી 14 સપ્ટેમ્બરના રોજ તમામ ગ્રામસેવકો સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થશે. જ્યારે 21 સપ્ટેમ્બરે તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે. 25 સપ્ટેમ્બરના રોજ ‘પેન ડાઉન’ (કામગીરી ઠપ્પ) કાર્યક્રમ અપાશે. જો માંગણીઓ નહીં સંતોષાય તો 01 ઓક્ટોબરે તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરશે અને 2 ઓક્ટોબર 2026થી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે. સિમેન્ટ રોડના વિવાદમાં મનપાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કંપનીને રૂ. 17 કરોડ ચુકવવા પડશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દોઢ દાયકા પહેલાં રૈયા રોડ અને નાના મવા રોડ પર સિમેન્ટ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ગુણવત્તા અને સમયમર્યાદા સહિતની શરતોના ભંગ બદલ મનપાએ કૃણાલ સ્ટ્રક્ચર કંપની સામે મોટી પેનલ્ટીની કાર્યવાહી કરી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી હતી. આ કાર્યવાહી સામે કંપનીએ વર્ષ 2010માં કાનૂની લડાઈ શરૂ કરી હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશથી મામલો આર્બિટ્રેટરમાં પહોંચ્યો હતો, જ્યાં ચુકાદો કંપનીની તરફેણમાં આવતા મનપાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પણ એજન્સીની દલીલો માન્ય રાખીને મનપાની અપીલ ફગાવી દીધી છે. લાંબી કાનૂની લડાઈમાં મનપાને મોટો ફટકો પડ્યો છે અને હવે એજન્સીને વ્યાજ સહિત રૂ. 17 કરોડથી વધુ રકમ ચૂકવવાનો વારો આવ્યો છે. અગાઉ જમા કરાવેલી રકમ સિવાયનો બાકી તફાવત અને વ્યાજ ચુકવવું પડતાં મનપાની તિજોરી પર મોટો બોજ આવ્યો છે.
Read full article on Divya Bhaskar