lifestyle
16મી એનિવર્સરી પર પત્નીએ પતિને પુંગનૂર આપી ભેટ:IAS અધિકારીના પરિવારે કેમ્પ હનુમાન મંદિરે વિશેષ પૂજાવિધિ કરાઈ, ગોળ-તલ અને મુખવાસ ખાતી 'ગૌરી'ને જોવા મંદિરે ભક્તોની ભીડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને પુંગનૂર ગાયની પૂજા-સેવા કરતો વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં આ દેશી પ્રજાતિ પ્રત્યે ભારે આકર્ષણ ઊભું થયું છે. આ દરમિયાન અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા IAS અધિકારીના પરિવારે પુંગનૂર ગાય અને નંદીને પરિવારના સભ્યની જેમ સાચવીને અનોખો દાખલો બેસાડ્યો છે. પરિવારજનો દ્વારા આજે પ્રથમ વખત ગૌરી ગાય અને ગોરી નંદીને અમદાવાદના ઐતિહાસિક કેમ્પ હનુમાન મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. 16મી લગ્ન વર્ષગાંઠે પતિને અનોખી ભેટ પરિવારના સભ્ય અનુરાધા (અનુજા) ગુપ્તાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના વાયરલ વીડિયો બાદ તેઓ આ અતિ નાની અને પવિત્ર ગણાતી પુંગનૂર પ્રજાતિથી પ્રભાવિત થયા હતા. પોતાની 16મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે પતિને કંઈક અનોખી, આધ્યાત્મિક અને કાયમી યાદગાર ભેટ આપવાનો વિચાર આવતાં તેમણે આંધ્રપ્રદેશથી આ ખાસ જોડી લાવવાનો નિર્ણય કર્યો હતો. પરિવારમાં પ્રવેશ્યા બાદથી બંને મૂંગા જીવોને ઘરના સભ્યો જેવો જ અનહદ પ્રેમ અને દરકાર મળી રહી છે. લીલું ઘાસ, ગોળ, તલ અને ગુલાબના ફૂલ ગૌરી અને ગોરી નંદીના દૈનિક આહાર તેમજ પસંદગી અંગે જણાવતાં પરિવારે કહ્યું કે, બંનેને નિયમિત તાજું લીલું ઘાસ આપવામાં આવે છે. ખોરાકમાં તેમને દેશી ગોળ અને કાળા-સફેદ તલ અત્યંત પ્રિય છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પુંગનૂર ગાયને ગુલાબના તાજાં ફૂલ ખાવા ખૂબ ગમે છે અને ભોજન બાદ વરિયાળી (સોંફ) તથા સાકરનો મુખવાસ પણ તે ખૂબ હોંશે હોંશે આરોગે છે. પુંગનૂર ગાય-નંદી દર્શનાર્થીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર પરિસરમાં આજે પ્રથમ વખત લાવવામાં આવેલી ગૌરી ગાય અને નંદીને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓ એકત્રિત થયા હતા. પરિવાર દ્વારા વૈદિક વિધિ અનુસાર શ્રીફળ, ચુંદડી અને પુષ્પમાળા અર્પણ કરી ગાય-નંદીની પૂજા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના પ્રયાસોથી લુપ્ત થતી દેશી નસ્લોના સંરક્ષણનો સંદેશ હવે શહેરી વિસ્તારોમાં પણ વ્યાપક અસર જન્માવી રહ્યો હોવાનું આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે.
Read full article on Divya Bhaskar