business
ગાંધીનગરમાં 15મીથી દક્ષિણ એશિયાનું પ્રથમ વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ:65થી વધુ દેશોના 2 હજારથી વધુ પ્રતિનિધિઓ જોડાશે; કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને CM ઉદ્ઘાટન કરશે
સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) 2026નું આયોજન કરવામાં આવ્યું છે. 15 અને 16 સપ્ટેમ્બરે યોજાનારા આ વૈશ્વિક ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. ફોરમમાં 65થી વધુ દેશોના 2 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમાં ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હાજર રહેશે. પુનઃઉપયોગ, રિફર્બિશિંગ અને રિસાઇકલિંગ પર ફોકસ આ વર્ષે ફોરમની થીમ ‘સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્ઝિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરિટી’ રાખવામાં આવી છે. જૂની અથવા વપરાયેલી વસ્તુઓ અને સામગ્રીને કચરા તરીકે ફેંકી દેવાને બદલે તેનો પુનઃઉપયોગ, રિફર્બિશિંગ અને રિસાઇકલિંગ કરીને ફરીથી અર્થતંત્રમાં ઉપયોગી બનાવવાની વ્યવસ્થા અંગે અહીં ચર્ચા થશે. સર્ક્યુલર ફાઇનાન્સ, નવી ટેક્નોલોજી અને વિવિધ ક્ષેત્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા પર પણ ભાર રહેશે. AIથી લઈને સ્ટાર્ટઅપ અને એનર્જી સુધી ચર્ચા 15-16 સપ્ટેમ્બરના ફોરમમાં 4 પ્લેનરી અને 16 થીમ આધારિત સત્રો યોજાશે. તેમાં AIનો ઉપયોગ, રોજગારની તકો, ઊર્જા ઉત્પાદન, સર્ક્યુલર ફાઇનાન્સ, શાસન, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. સાથે જ 125થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ એક્સ્પોમાં સર્ક્યુલર ઇકોનોમી સાથે જોડાયેલા પ્રોડક્ટ્સ અને પ્રાયોગિક ઉકેલો રજૂ કરશે. 17-18 સપ્ટેમ્બરે 80 એક્સેલરેટર સેશન મુખ્ય ફોરમ બાદ 17 અને 18 સપ્ટેમ્બરે 80 એક્સેલરેટર સત્રો યોજાશે. ગાંધીનગર ઉપરાંત વિશ્વના વિવિધ સ્થળોએ આ સત્રો રૂબરૂ, ઓનલાઇન અને હાઇબ્રિડ મોડમાં યોજાશે. તેનો હેતુ સર્ક્યુલર ઇકોનોમી સાથે જોડાયેલા નવા વિચારો અને ઉકેલોને ઝડપથી આગળ વધારવાનો છે. ફિનલેન્ડ સહિત અનેક દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે 15 સપ્ટેમ્બરના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી અર્જુન મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત મિક્કો કિવિકોસ્કી, સિત્રા (SITRA)ના પ્રમુખ એટે જાસ્કેલાઈનન તથા નેધરલેન્ડના આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલયના સર્ક્યુલર ઇકોનોમી નિયામક મેરીકે સ્પાઇકરબોઅર સહિતના મહાનુભાવો હાજર રહેશે. સમાપન સમારોહમાં કેન્દ્રીય રાજ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહેશે 16 સપ્ટેમ્બરના સમાપન સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ, ફિનલેન્ડના આબોહવા અને પર્યાવરણ મંત્રી સારી મુલ્તાલા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્યમંત્રી પ્રવીણ માળી હાજર રહેશે. સમાપન પ્રસંગે સિત્રાના પ્રમુખ આગામી યજમાનને ફોરમનું ઔપચારિક હેન્ડઓવર કરશે. આ ફોરમનું આયોજન CPCB, ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રા, ફિનલેન્ડ સરકાર, MoEFCC, ગુજરાત સરકાર અને GPCB દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.
Read full article on Divya Bhaskar